Mumbai

મુંબઈમાં 14 આતંકી ઘૂસ્યા : અફવાએ પોલીસને ધંધે લગાડી

By GS TEAM
6 Sep 20252 mins read
મુંબઈમાં 14 આતંકી ઘૂસ્યા : અફવાએ પોલીસને ધંધે લગાડી

- 400 કિલો આરડીએક્સ સાથે 34 વાહનોમાં માનવબોમ્બ ત્રાટકવાની ધમકી

- ગણેશવિસર્જનમાં 'દેશ હચમચી જશે' ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ

- લશ્કર-એ-જેહાદી સંગઠનનો ઉલ્લેખ : વિસ્ફોટમાં એક કરોડ લોકો માર્યા જશે એવો દાવો

મુંબઇ: મુંબઇમાં ભારે ઉલ્લાસથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી  રહી છે ત્યારે ૧૪ આતંકવાદીઓ ૪૦૦ કિલોગ્રામ આરડીએસ લઇને શહેરમાં ઘૂસી ગયા છે અને વાહનોમાં માનવ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાના ધમકીભર્યો સંદેશ મળ્યા બાદ મુંબઇ પોલીસ હાઇએલર્ટ પર છે, ટ્રાફિક પોલીસને મેસેજ કરનારે આતંકવાદી સંગઠન  લશ્કર-એ-જેહાદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. બોમ્બ બ્લાસ્ટમાં એક કરોડ લોકો માર્યા જસે એવો દાવો કરવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ધમકીની તપાસ શરૂ કરી છે અને એન્ટી  ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)   તેમ જ અન્ય સિક્યુરિટી એજન્સીઓને પણ બનાવની જાણ  કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું  કે ગણેશ ઉત્સવમાં અનંત ચતુર્થી માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૂમને ગુરુવારે તેમની વોટ્સએપ હેલ્પલાઇન પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.

સંદેશ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે ૧૪ આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે અને વિસ્ફોટ માટે ૩૪ વાહનોમાં ૪૦૦ કિલોગ્રામ આરડીએક્સનો  જથ્થો મૂકવામાં આવ્યો છે જે દેશને હચમચાવી નાખશે. ધડાકામાં એક કરોડ લોકો માર્યા જશે.

ગણેશ વિસર્જનમાં શનિવારે શહેરના રસ્તાઓ પર લાખો લોકો ઉમટી પડશે. દરમિયાન પોલીસ  અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે  સાવચેતી રાખી રહી છે. આર્થિક રાજધાનીમાં મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વિવિધ જગ્યાએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. મંદિરો, બજારો અને ભીડભાડવાળા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે મુંબઇગરાઓને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઇપણ શંકાસ્પદ વ્યક્તિની જાણ કરવા અપીલ કરી છે.

ધમકીભર્યા મેસેજના મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે. પોલીસે મેસેજ કરનારી માહિતી મેળવવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇમાં સ્કૂલો, સરકારી ઓફિસ, એરપોર્ટ, હોટેલ અને અન્ય સ્થળોએ બોમ્બ  હોવાની ધમકીઓ આપવામાં આવી છે. મુંબઇ પોલીસને ધમકી  મળ્યા બાદ તપાસમાં મોટાભાગના કેસ અફવા  પુરવાર થયા છે.  પોલીસ દરેક ધમકીના કૉલને ગંભીરતાથી લઇને તપાસ કરતી હોય છે. ઘણી વખત દારૂના નશામાં, વ્યક્તિગત દુશ્મનાવટ કે અન્ય કારણોસર ધમકી આપવામાં આવે છે.