ડોમ્બિવલીમાં 13 વર્ષના કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત

સમગ્ર પરિવાર ભંડારામાંથી પાછો ફરતો હતો ત્યારે દુર્ઘટના
માતા-પિતાની બૂમો ભંડારામાં વ્યસ્ત લોકોએ સાંભળી નહિ ઃ મોડે મોડે એક યુવક મદદે આવ્યોઃ પાલિકા અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માગણી
મુંબઈ - ડોમ્બિવલી વેસ્ટના દેવીઆપાડા વિસ્તારમાં રવિવારે રાતે નવરાત્રિ દરમિયાન ભંડારામાં ભોજન પતાવ્યા બાદ પાછા ફરતી વખતે ૧૩ વર્ષના એક કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. મહાપાલિકાની બેદરકારીથી બાળકે જીવ ગુમાવ્યો હોવાથી સ્થાનિક લોકોએ મહાપાલિકાના અધિકારીઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની માગણી કરી છે. ૧૩ વર્ષીય કિશોર આયુષ કદમનાં માતા- પિતાએ ત્યાં હાજર લોકોને તેને બચાવી લેવા માટે વિનંતી કરી હતી પણ લોકો ભંડારામાં વ્યસ્ત હોવાથી તત્કાળ કોઈ તેમની મદદે આવ્યું ન હતું અંતે વેદાંત નામના યુવકે જીવ જોખમમાં નાંખી ગટરમાં કૂદકો માર્યો હતો પણ તેને પણ સફળ મળી નહોતી અંતે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કિશોરને શોધી કાઢયો હતો પણ તેને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર ડોમ્બિવલી (વે)માં દેવીચાપાડા વિસ્તારના શાંતારામ નિવાસમાં આયુષ તેના પરિવારજનો સાથે રહેતો હતો. દેવીચા પાડા વિસ્તારમાં નવરાત્રિ નિમિત્તે સ્થાનિક ઉત્સવ મંડળે ભંડારાનું આયોજન કર્યું હતું. રાત્રે ૯.૩૦ વાગ્યા બાદ ભંડારામાં ભોજન પૂરું કર્યા બાદ આયુષ પાછો ઘરે ફરી રહ્યો હતો ત્યારે મેનહોલ વગરની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો.
રવિવારે ભારે વરસાદ પડયો હોવાથી ગટર પાણીથી છલોછલ ભરાયેલી હતી. આયુષ ગટરમાં પડતા જ તેની સાથેના બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
આ ઘટનાની જાણ થતા જ આયુષના માતા- પિતા પણ દોડી આવ્યા હતા અને મદદ માટે લોકોને વિનંતી કરી હતી. આ વાતની જાણ સ્થાનિક પાલિકા પ્રશાસન અને ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી. જોકે ત્યાં હાજર કોઈ આયુષને બચાવવા આગળ આવ્યું નહોતું. દરમિયાન વેદાંત જાધવ નામના યુવાન ેગટરમાં ઝંપલાવ્યું હતું અને આયુષને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને આમાં સફળતા મળી નહોતી.
અંતે પોલીસની ટીમ બાદ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે જાળીમાં અટવાયેલા આયુષને શોધી બહાર કાઢયો હતો. તેને તાત્કાલિક પાલિકાની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક રાજકારણીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાલિકાની બેદરકારીને લીધે કિશોરનો જીવ ગયો હોવાનું જણાવી યોગ્ય વળતરની માગણી કરી હતી. સ્થાનિક નાગરિકોએ આ બાબતે મહાપાલિકા અધિકારીઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની માગણી પણ કરી હતી.








