પર્યાવરણ જાગૃતિના મેસેજ સાથે મુંબઈના ૧૨ યુવકોની દિલ્હીથી મુંબઈ સાઈકલ યાત્રા

રસ્તામાં ૧૫૦૦ સીડ બોલ્સ વેર્યા, જેમાંથી વૃક્ષો ઉગશે
ગુજરાતી દિવ્યાંગ યુવાને એક હાથે ૧૪૪૭ કિમી સાઈકલ ચલાવી, રસ્તામાં આકરી ઠંડી, ફોગ તથા પર્વતીય ચઢાણોનો પડકાર
મુંબઈ - મુંબઈના ૧૨ યુવાનો પર્યાવરણ બચાવઅને ફીટ ભારતના સંદેશ સાથે ૧૪૪૭ કિ.મી.નું અંતર આઠ દિવસની અંદર કાપ્યું છે. આ યુવાનો દિલ્હીથી મુંબઈ સાયકલ પર અનેક વિકટ પરિસ્થિતીનો સામનો કરીને પણ લક્ષ્ય પર પહોંચ્યા હતા. આ ગૂ્રપમાં સામેલ મુંબઈના ગુજરાતી યુવાને દિવ્યાંગ હોવા છતાં પણ આ મુશ્કેલ સફર પાર પાડી હતી.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં રહેતાં ૧૨ યુવાનો દિલ્હીથી મુંબઈ આઠ દિવસમાં સાયકલ પર પહોંચ્યા હતા.ચર્ચગેટ ખાતે આવેલી કે.સી. કોલેજમાંઅકાઉન્ટ્સવિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં ગુજરાતી યુવાન અને રેલવે અકસ્માતમાં એક હાથ ગુમાવી બેસનાર એથ્લેટીક મયૂર ડુમાસિયાએ 'ગુજરાત સમાચાર'ને કહયું હતું કે 'અમારો પ્રવાસ અમે દિલ્હીથી ગત ૧૮મી જાન્યુઆરીથી ચાલુ કર્યો હતો. અમારી સાયકલો અમે ટેમ્પોમાં મોકલાવી હતી. કુલ આઠ દિવસ સુધીના પ્રવાસ બાદ અમે મુંબઈ પચ્ચીસમી જાન્યુઆરીના રાતે પહોંચ્યા હતા. હું પ્રવાસના કોડનેટર તરીકે સહિત કુલ ૧૨ જણ આ મુસાફરીમાં હતા. અમારો મુખ્ય ઉદેશ ફીટ ભારત, પર્યાવરણ બચાવ હતો. એમાં અમે જે આદિવાસી વિસ્તારોથી પસાર થતાં હતા ત્યાં અમે તેમને એજ્યુકેશન વિશે જાગૃત કરી રહયા હતા.
આ કઠિણ સફર અને રસ્તામાં સીડ્સ બોલ્સ ફેંકતા આવ્યા એમ કહેતાં મયૂરભાઈએ જણાવ્યું કે 'આ સફરમાં મારી સાથે અન્ય સાયકલિસ્ટઆર્યન સાધ, ઈન્દર વિશ્નોઈ, શુભમ પાટીલ, અમીષ પાટીલ, મતીન કાદરી, અનુજ સિંહ, કુણાલ બાવળિયા, સીએચ શ્રીનિવાસ, નબીલ સિધ્ધિક, ઓમ પરદેશી, રાહુલ પાલ તેમ જ સ્વયંસેવક તરીકે સુમિત ઝા અને કેશવ શાહ પણ જોડાયા હતા. આ સફર દરમિયાન અમારી સાથે અમે સીડ્સ બોલ્સ રાખ્યા હતા. અમે રસ્તા પર ૧૫૦૦ સીડ્સ નાખ્યા હતા અને પાણી મળતાં આ સીડ્સ ઝાડ બનશે.
સફરમાં સૌથી વધુ તકલીફ આકરી ઠંડીના કારણે પડી હતી. અમે આઠ ડિગ્રી ઠંડીમાં પણ સાયકલ ચલાવી છે. દરરોજ ઓછામાં ઓછી ૧૫૦કિ.મી. અને વધુ ૨૦૦ કિ.મી.સાયકલ ચલાવી હતી. તેમ જ ફોગના લીધે પણ સમસ્યા થતી હતી. અમે સવારે સાડા છ વાગ્યાની આસપાસ સફર શરૃ કરતાં તો રાતે સાત કે નવ વાગ્યા સુધી સાયકલ ચલાવતાં હતા. બપોરના સમયે રસ્તા પરજ થોડો આરામ કરી લેતાં હતા. ઠંડીની સાથે ઉદયપુરના પહાડ પર સાયકલ ચલાવવામાં મુશ્કેલીઓ આવી હતી. જ્યારે મહારાષ્ટ્રની બોર્ડર આવ્યા બાદ ત્યારે ગરમીના કારણે પરેશાન થયા હતા. આ સફર માટે અમે ત્રણ મહિના પ્રેક્ટિસ કરી અને ડાયટ પર ધ્યાન રાખતાં હતા. અમારા સાથે વખતે એક એમ્બ્યુલન્સ જેમાં એક ડોક્ટર અને ડ્રાઈવર રહેતાં હતા.મારા માટે તો આ સફર વધારે મુશ્કેલ હતી. એક હાથથી સાયકલ ચલાવતાં મારા જમણા હાથ પર ભાર આવતાં એક હાડકા પર ખૂબ અસર થઈ હતી. પરંતુ, સારા હેતુ માટે જઈએ તો ભગવાન પણ સાથ આપતાં જ હોવાથી પ્રવાસ સફતાપૂર્વક અમે પાર પાડયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ માટે હૈદરાબાદ નેશનલ સિંધ નેશનલ કોલેજિયેટ યુનિવસટી મુંબઈ (એચએસએનસી યુનિવસટી સ્ટેટ પબ્લિક યુનિવસટી મુંબઈ)ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હેમલતા કે. બાગલા એ સપોર્ટ પૂરો પાડયો હતો.
