બાંગ્લાદેશની 12 વર્ષની કિશોરી પર નડિયાદમાં 200 લોકો દ્વારા બળાત્કાર
વસઈમાં દેહ વ્યવસાયમાં પકડાયેલી કિશોરીનો દાવો
ત્રણ મહિના સુધી ગુજરાતમાં શોષણ થયું ઃ નડિયાદના એક પુરુષ અને મહિલા સહિત કુલ નવ દલાલોની ધરપકડ
મુંબઈ - બાંગ્લાદેશની ૧૨ વર્ષની સગીર બાળકીનું અપહરણ કરીને તેન દેહવ્યાપારમાં ધકેલી દેનારા ૯ દલાલોની ધરપકડ કરવામાં આવી છે. ૩ મહિના દરમિયાન ૨૦૦ લોકોએ આ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં ચાર બાંગ્લાદેશી અને ગુજરાતના બે દલાલોનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની ૧૨ વર્ષની કિશોરીને ધો. સાતમાં ઓછા માર્ક્સ આવતાં ઘરેથી ભાગી ગઈ હતી. દરમિયાન, એક બાંગ્લાદેશી મહિલાએ તેને ફોસલાવી હતી અને તેને ભારમાં કોલકત્તા લઈ આવી હતી. ત્યાંથી, બીજા દલાલે તેને કોલકાતાથી વિમાન દ્વારા મુંબઈ લઈ આવ્યો હતો. ત્યાંથી, છોકરીની કરૃણાંતિકા શરૃઆત થઈ હતી.
૩૩ વર્ષના બાંગ્લાદેશી આરોપી મોહમ્મદ ખાલિદ અબ્દુલ બાપારીને તેને સોંપવામાં આવી હતી. તેણે તેને નવી મુંબઈમાં રાખી હતી. ત્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એ બાદમાં તેને દેહ વ્યાપારની ફરજ પાડવામાં આવી હતીે તેણે ના પાડી, ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. તેમ જ તેને ડામ પણ મારવામાં આવ્યા હતા. એ પછી તેને અલગ અલગ દલાલ પાસે મોકલવામાં આવી હતી. ગુજરાતમાં નડિયાદમાં તેને દલાલો પ્રીતિબેન મોહિડા (૩૭) અને નિકેત પટેલ (૩૫) ને સોંપવામાં આવી હતી. તે ત્રણ મહિના સુધી ગુજરાતમાં રહી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૦૦ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર દલાલો આ કિશોરીનો પાંચથી ૧૫ હજારમાં સોદો કરતા હતા. જેમાંથી કિશોરીને ફક્ત ૫૦૦ રુપિયા અપાતા હતા. તેને જલ્દી ઘરે મોકલવાના આશ્વાસન સાથે લલચાવીને ફસાવવામાં આવી હતી. એ બાદમાં તેને નાયગાંવ લાવવામાં આવી હતી. એક સ્વયંસેવી સંસ્થાને આ માહિતી મળ્યા બાદ, અનૈતિક માનવ તસ્કરી શાખાની મદદથી નાયગાંવના એક ફલેટમાં દરોડો પાડી તેને બચાવી લેવામાં આવી હતી.
અત્યાર સુધી, પોલીસે આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરી છે. તેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો, મોહમ્મદ ખાલિદ અબ્દુલ બાપારી (૩૩), ઝુબૈર શેખ (૩૮), શમીમ સરદાર (૩૯) અને રૃબી બાપારી (૨૧)નો સમાવેશ છે. આ ઉપરાંત, વિરારના ઉજ્જવલ કુંડુ (૩૫) અને પરવીન કુંડુ (૩૨), ગુજરાતના ખેડાના પ્રીતિબેન મોહિડા (૩૭), નિકેત પટેલ (૩૫) અને અહિલ્યાનગરના સોહેલ શેખ (૨૩)નો સમાવેશ થાય છે. અમારી ટીમ અહીં પહોંચ્યા પછી રવાના થઈ ગઈ છે. છોકરીના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેને સત્તાવાર માધ્યમો દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવશે એમ નાયગાંવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિજીત મડકેએ જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ વિશે બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી છે.