એરપોર્ટ પાસે ઊંચાઈનો ભંગ કરનારી સાત ઈમારતો સામે 12 વર્ષે કાર્યવાહી

ઉપનગર કલેક્ટરની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી બાદ સરકારનો અહેવાલ
આ ઈમારતો વિમાનો માટે જોખમી સાબિત થાય તેમ હતી તેવી કબૂલાત એક ઈમારતને કોર્ટનું આંશિક સંરક્ષણ હોવાથી કાર્યવાહી ચાલુ
મુંબઈ - મુંબઈ આંતરરાષ્ટ્રીય એરેપોર્ટ પાસે ઉડ્ડયન માટે જોખમી સાત બાંધકામોના ગેરકાયદે હિસ્સાને ૧૨ વર્ષ બાદ દૂર કરાયા છે. આ બાબતની જાણકારી રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટને સોગંદનામા મારફત આપી છે. આ ઈમારતો સલામતીના નિયમોનો ભંગ કરીને એરક્રાફ્ટ માટે જોખમ સમાન હતી. ગેરકાયદે હિસ્સો દૂર નહીં કરવામાં આવે તો કડક પગલાંની ચેતાવણી અપાઈ છે. ગત સુનાવણીમાં કોર્ટે ઉપનગર કલેક્ટરની ઝાટકણી કાઢી હતી. આવી ઈમારતો પર ગંભીરતાથી કાર્યવાહી કરો અન્યથા કઠોર કાર્યવાહી થશે એવી ચિમકી આપી હતી.
કાર્યકર્તા યશવંત ચિનોઈએ કરેલી જનહિત અરજીમાં હાઈકોર્ટે આપેલા આદેશને પગલે કલેક્ટરે પગલાં લીધા હતા. અરજીમાં એવિયેશન સામે જોખમ હોવાની ચિંતા વ્યર્ત કરાઈ હતી અને એરપોર્ટ આસપાસમાં ગેરકાયદે ઈમારતોને દૂર કરવાની દાદ મગાઈ હતી. અગાઉના ઉલ્લંઘન છતાં પણ નવા બાંધકામ થયા કરે છે જેને લીધે કડક હાથે કામ લેવું જરૃરી છે.
સોગંદનામામાં ઉપનગરીય કલેક્ટર રાજેન્દ્ર ચવાણે જણાવ્યું હતું કે એમઆઈએએલના સોગંદનામામાં જણાવેલા બાંધકામ પરના તમામ અવરોધો દૂર કરાયા છે. આ બાબતે એમઆઈએએલને જાણ કરાઈ છે અને તેમણે ચકાસણી કરીને ડીજીસીએને અહેવાલ રજૂ કર્યો છે જેણે અમલ થયાની બહાલી આપી હતી.
સરકારી વકીલે આ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે પ્રગતિ સધાયાનું રેકોર્ડ પર લઈને ચાર સપ્તાહ માટે સુનાવણી મોકૂફ રાખી હતી.
અરજદારે વિમાનના ઉડ્ડયનને આડે આવતા માર્ગ પર જોખમકારક ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માગણી કરી હતી. ડીજીસીએએ આ બાંધકામ તોડી પાડવાના આદેશ દસ વર્ષ બાદ આપ્ય ાહતા પણ કોઈ પગલાં લેવાયા નહોતા.
એપ્રિલના આદેશમાં કોર્ટે કેલક્ટરને આઠ ચોક્કસ ઈમારતો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને આ ઈમારત એમઆઈએએલ અને ડીજીસીએએ શોધી કાઢી હતી. આમાંથી સાત ઈમારતોને લઈને આદેશ પૂર્તતા થયાનું અને અઆઠમી પર કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું. આઠમી ઈમારતને આંશિક કાનૂની રક્ષણ હોવાથી વિલંબ થયાનું કહેેવાયું હતું.
માલિકોએ કાયમી બાંધકામ જેવા કે વોટર ટેન્ક, એન્ટીના અને લોખંડી પાઈપ તેમ જ કોંક્રિટનું બાંધકામ હટાવીને પરવાનગીપાત્ર ઊંચાઈ સુધી મર્યાદીત રાખ્યું હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું.
સરકારે ફરી આવું બને નહીં એ માટે પાલિકાને મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ તોડકામની નોટિસ જારી કરવા નિર્દેશ આપ્યો છેે. આ પ્રમાણે વધુ પગલાં લેવાઈ રહ્યા હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું.









