ખંડણી કેસમાં સુરેશ પુજારી સહિત 12ને મુક્તિ
સરારી પક્ષ પુરાવા નહિ આપી શક્યાની નોંધ
૨૦૧૬માં ઉલ્હાસ નગરમાં ડેવલપરની ઓફિસમાં ગોળીબાર થયો હતો
મુંબઈ - ૨૦૧૬ના ખંડણીના કેસમાં એમસીઓસીએ હેઠળની વિશેષ કોર્ટે ગેન્ગસ્ટર સુરેશ પૂજારી અને અન્ય ૧૧ જણને દોષમુક્ત કર્યા છે. કોર્ટે નોંધ કરી હતી કે તપાસ પક્ષ વિસ્તૃત તપાસ કરવામાં અને નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે.
ઉલ્હાસનગર સ્થિત રિઅલ એસ્ટેટ ડેવલપર સુમિત ચક્રવોર્તીની કચોરીમાં ૧૧ જુલાઈ ૨૦૧૬ના રોજ બે સશસ્ત્ર હુમલાખોરો ઘૂસી આવ્યા હતા. ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી પણ પૂજારી ગેન્ગે ખંડણી માટે કરેલો પ્રયાસ હતો.
તપાસ એજન્સીએ યોગ્ય રીતે તપાસ કરી નહોવાથી આરોપીઓને શંકાનો લાભ આપીને મુક્ત કરવામાં આવે છે, એમ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) જજ અમિત શેટ્ટેએ જણાવ્યું હતું.
૨૦૧૬માં આરોપો ઘડાયા હતા જેમાં હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરું જેવી કલમો લાગુ કરાઈ હતી. બે ફરાર આરોપી રવીન્દ્ર ઘારે અને ઈકબાલ શેખને પણ મુક્તિનો લાભ આપવામાં આવ્યો છે. કેસનો નિકાલ મુક્તિમાં પરિણમ્યો હોવાથી આરોપીઓની ગેરહાજરીમાં મુક્તિનો લાભ તેમને પણ થાય છે. આરોપીઓ પકડાય ત્યાં સુધી કેસ પ્રલંબિત રાખવાનો કોઈ અર્થ નથી, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
આરોપીઓમાં સુરેશ પુજારી (૫૭) અને અન્ય ૧૧નો સમાવેશ છે. આરોપીઓ વિવિધ વ્યવસાયમાં ંકળાયેલા હતા જેમાં કોન્ટ્રેક્ટ લેબરરથી લઈ બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયનો સમાવેશ થાય છે.