વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલીને ઉચાપત
550 નું બાકી બિલ નહિ ભરાય તો કનેક્શન કપાઈ જશે તેમ જણાવી ગભરાવ્યા
મુંબઈ - વડાલા વિસ્તારમાં એક વરિષ્ઠ નાગરિકને માત્ર રુ. ૫૫૦નું ગેસનું બિલ ભરવાનું બાકી હોવાનું જણાવીને સાયબર ફ્રોડસ્ટરોએ વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલીને ફોન હેક કરીને રુ. ૧૨.૨૫ લાખની સાયબર છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી વડાલાના સહકાર નગરમાં તેમના પરિવાર સાથે રહે છે. ૦૭ માર્ચ ૨૦૨૬ના રોજ ફરિયાદીને તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ મળ્યો હતો. શરુઆતમાં તેમણે આ કોલ અવગણ્યો. પરંતુ બાદમાં ફોન ઉપાડતા ફોન કરનારે પોતાને ગેસ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યો હતો.
વધુમાં દાવો કર્યો હતો કે પીડિતના નામે રુ. ૫૫૦નું ગેસ બીલ ચૂકવવાનું બાકી છે. ફોન કરનારે ચેતવણી આપી હતી કે જો બિલ તે જ દિવસે ચૂકવવામાં નહીં આવે તો રાત્રે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.
પીડિતને વિશ્વાસ અપાવવા માટે આરોપીએ ગેસ કંપનીના લોગો વાળા અને ગેસ કંપનીના નામની એક એપીકે ફાઈલ મોકલી હતી અને આ ફાઈલ દ્વારા પૈસાની ચૂકવણી કરવા જણાવ્યું હતું.
પીડિતે ગેસ કનેકશન કપાઈ જવાના ડરથી આરોપીના સૂચનનું પાલન કરતા એપીકે ફાઈલ ખોલી હતી. જેથી આરોપીએ તેમના ફોનનો એક્સેસ મેળવીને બેંક ખાતામાંથી રુ. ૧૨.૨૫ લાખના પૈસાની ઉચાપત કરી હતી. થોડા દિવસો બાદ ફરિયાદી પોતાની બેંકની મુલાકાત લેતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ બાદ પીડિતે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


