Get The App

મુરબાડ પાસે ટ્રક-વેન ટકરાતાં 3 ભાઈબહેન સહિત 11નાં મોત

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
મુરબાડ પાસે ટ્રક-વેન ટકરાતાં 3 ભાઈબહેન સહિત 11નાં મોત 1 - image

6 પ્રવાસીની ક્ષમતા ધરાવતી વેનમાં 11 લોકો ભર્યા હતા 

વેનની અંદર પ્રવાસ કરતા તમામ મુસાફરો તથા ડ્રાઈવર  પણ ચગદાઈ ગયાઃ મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ 

મુંબઈ -         થાણે જિલ્લામાં સોમવારે એક પુલ પર ભરચક વેન  અને સિમેન્ટ મિક્સર ટ્રક વચ્ચે ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં  ત્રણ ભાઈ-બહેન સહિત અગિયાર લોકોના મોત થયા હતા.આ દુર્ઘટનાને લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો,એમ પોલીસે જણાવ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વેનની અંદર મૃતદેહો ચગદાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ગાડીમાંથી મૃતદેહો બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

    ગ્રામીણ જિલ્લા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણ-મુરબાડ-માલશેજ હાઇવે પર રાયતે ગામ નજીક ઉલ્હાસ નદી પર નવા બનેલા પુલ પર આજે સવારે ૧૦.૪૫ વાગ્યાની આસપાસ આ જીવલેણ અકસ્માત થયો હતો

  તેમણે કહ્યું  હતું કે સ્થાનિક લોકોને શટલ ટેક્સી સવસ પૂરી પાડતી વેન કલ્યાણથી મુરબાડ જઈ રહી હતી. ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવતા સિમેન્ટ મિક્સર ટ્રક સાથે વેનની અથડામણ થઈ હતી.

   મુરબાડ તહસીલદાર અભિજીત દેશમુખે જણાવ્યું હતું કે  વેનમાં સવાર તમામ ૧૧ મુસાફરોના મોત થયા હતા.એમાં ડ્રાઇવર સહિત આઠ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

   આ અથડામણ એટલી જોરદાર  હતી કે વેનનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એમાં પ્રવાસ કરતા લોકો અંદર કચડાઈ ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે, એવું  દેશમુખે કહ્યું હતું. 

 

  આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને અથડામણના કારણની તપાસ કરી રહી છે.આ  બનાવ બાદ બને વાહનના  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    અકસ્માત બાદ કલ્યાણથી અહિલ્યાનગર સુધીના રસ્તા પર થોડા કલાકો સુધી ટ્રાફિક પ્રભાવિત થયો હતો.પછી આ રસ્તો સાફ કરી દેવામાં આવ્યો છે.

૧૧ મૃતકોમાંથી નવની ઓળખ થઈ,

અંધેરીના રહેવાસી અને મુરબાડ તહેસીલદાર કચેરીમાં મહેસુલ સહાયક ભૂષણ ઘોરપડે (૪૯), પ્રથમેશ મોહપે (૧૭), તેની બે બહેન સ્નેહા મોહપે (૨૨),  માનસી મોહપે(૨૦) તથા પ્રશાંત ઉર્ફે બબલુ રૃપેશ ચંદને (૨૧), જીજા ગોવિંદા કેંબારી (૫૦),  અનંતા પવાર,દીપક ગવળી,ગણપત જૈનુ મધે (૩૨),અન્ય બે વ્યક્તિઓની ઓળખ કરવાની બાકી હતી. .

મમ્મીબે-ચાર દિવસમાં પાછા આવશું એમ કહી ૩ ભાઈ-બહેન નીકળ્યાં હતાં

 વર્ષ પહેલાં  પતિ ગુમાવ્યા બાદ મહિલાએ ૩ સંતાનો ભારે મુશ્કેલીઓ વેઠી એકલા હાથે ઉછેર્યાં હતાં ૭

     મમ્મી, હું બે-ચાર દિવસમાં આવીશ...એમ કહીને ઘરેથી નીકળેલા ત્રણ ભાઈ-બહેનોના થોડા કલાકોમાં જ તેમના મૃત્યુના સમાચાર આવ્યા. કલ્યાણ તાલુકાના રાયતે બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતમાં  સ્નેહા મોહપે (૨૨ ), માનસી મોહપે (૨૦) અને પ્રથમેશ મોહપે (૧૭)નું મૃત્યુ થયું હતું. આ  ત્રણ ભાઈ-બહેનોને મુશ્કેલીથી  ઉછેરનાર એકલી માતાને હવે આખી જિંદગી દુઃખનો બોજ સહન કરવો પડશે.

     દિવાના રહેવાસી  મોહપે પરિવારના આ ત્રણ ભાઈ-બહેનો તેમની માતા અંજના સાથે રહેતા હતા. સાત વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા બાદ માતા અંજના મોહપેએ ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ હાર માની ન હતી. તેણે  ઘરકામ કરીને  બાળકોના ઉછેર અને શિક્ષણનું ધ્યાન રાખ્યું હતું.પરિવારની આથક પરિસ્થિતિ સારી ન હોવા છતાં  શિક્ષણમાં આગળ વધવાના અને પોતાના પગ પર ઉભા રહેવાના સપના આ ત્રણ ભાઈ-બહેનોની આંખોમાં હતા. તેઓ દિવા અને થાણેમાં અભ્યાસ કરી રહ્યા હતા .

   કોલેજની રજાઓને કારણે ત્રણ ભાઈ-બહેનો સ્નેહા, માનસી અને પ્રથમેશ થોડા દિવસો માટે મુરબાડ તાલુકાના પરહે ગામમાં તેમના કાકા સાથે રહેવા ગયા હતા. પરંતુ  રાયતે પુલ પાસે એક પેસેન્જર વેન  અને સિમેન્ટ મિક્સર વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. 

    ત્રણ ભાઈ-બહેનોના તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, એમ મોહપે પરિવારના સભ્ય નાથુ મોહપેએ માહિતી આપી હતી.