બાવન હજાર હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરાઈ
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારુપ વોકીટોકીની 8 કન્ટેનર ભરીને આયાત કરનારા પિતા-પુત્રની ધરપકડ
મુંબઈ: નવી મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ રુ. ૯.૨૫ કરોડના ૧૧ હજારથી વધુ પ્રતિબંધિત વોકી- ટોકી સેટ અને બાવન હજારથી વધુ સેકન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (એચડીડી) જપ્ત કર્યા હતા. આ કેસમાં આયાત કરતી કંપનીઓના માલિક તરીેકે ઓળખાતા પિતા પુત્રની જોડીની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આદારે કાર્યવાહી કરવામાં આવી હતી. ડીઆરઆઈ અધિકારીઓએ આઠ કન્ટેનરમાંથી ૧૧ હજારથી વધુના રુ. ૨.૨૫ કરોડની કિંમતની બાઓફેંગ બીએફ- ૮૮૮ એસ મોડલની વોકી- ટોકી સેટ અને બાવન હજારથી વધુના રુ. ૬.૭૫ કરોડની કિંમતના સેકન્ડ- હેન્ડ એચડીડી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જપ્ત કરી હતી.
આ તમામ કન્ટેનરની સઘન તપાસમાં વિવિધ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખોટી રીતે જાહેર કરવામાં આવી હતી. આ તમામ કન્ટેનર ચીનથી મોકલવામાં આવેલા હોવાનો અંદાજ છે. કુલ ૩૦ કરોડનો સામાન ખોટી વસ્તુઓનાં લેબલ હેઠળ આયાત કરાયો હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે, બાઓફેંગ બીએફ- ૮૮૮ એસ મોડલની વોકી- ટોકી દૂરસંચાર વિભાગ (ડીઓટી) દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કારણ કે તે માન્ય ફ્રીકવન્સીથી જુદી ફ્રિકવન્સી પર કામ કરે છે ે અને અનધિકૃત સંદેશાવ્યવહાર માટે ઉપયોગ કરી શકાય છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આ ઉપકરણો ચોક્કસ લાઈસન્સની જરુરી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ની પરવાનગી વિના સેકન્ડ હેન્ડ એચડીડી પણ આયાત કરી શકાતા નથી અને આને ઈ- વેસ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ તમામ કન્સાઈન્મેન્ટ ખોટી રીતે જાહેરાત કરીને નિયમોને બાયપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ કેસમાં જરુરી પરવાનગી વિના માલ આયાત કરતી મુંબઈ સ્થિત બે આયાત કંપનીઓના માલિક પિતા પુત્રની જોડીની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને આ સિન્ડિકેટમાં જોડાયેલા અન્ય શખ્સો અથવા સંસ્થાઓને ઓળખવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


