નબળાં ચોમાસાની આગાહીને પગલે નિર્ણય
છઠ્ઠી જુલાઈ સુધી ચાલે તેટલો જ ૨૮ ટકા જથ્થો બચ્યોેઃ પાણી કાપ દ્વારા વધુ એક મહિનો સચવાશે
મુંબઇ - મુંબઈમાં આગામી તા. ૧૫મી મેથી ૧૦ ટકા પાણી કાપ લદાશે. શહેરના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. બીજી તરફ આ વખતે અલ નીનોને કારણે ચોમાસું નબળું રહેવાની આગાહી થઈ છે. આ સંજોગોમાં ઓગસ્ટ માસ સુધીમાં પૂરતું જળસ્તર જાળવી રાખવા બીએમસીએ પાણી કાપનો નિર્ણય કર્યો છે.
મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં હાલ માત્ર આશરે ૨૮ ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે. શહેરમાં દૈનિક ૩૯૫૦ મિલિયન લિટર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જો પાણી કાપ લાગુ ન કરવામાં આવે તો હાલનો જથ્થો છઠ્ઠી જુલાઈ સુધી જ ચાલે તેમ છે. જ્યારે ૧૦ ટકા કાપથી આ જથ્થો ૧૭મી ઓગસ્ટ સુધી સાચવી શકાય તેમ છે.
આ સાથે જ બીએમસીએ રાજ્યના નગર વિકાસ વિભાગ પાસે વૈતરણા અને ભાત્સા જળાશયોમાંથી વધારાના ૨૩૭ મિલિયન ક્યુબિક મીટર પાણી આપવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષોમાં વિધાનસભા ચૂંટણીઓ તથા બીએમસી ચૂંટણીને પગલે પાણી કાપ ટાળવામાં આવ્યો હતો. હવે થોડા સમય સુધી કોઈ ચૂંટણી નહિ હોવાથી બીએમસીએ પાણી કાપનો નિર્ણય લીધો છે.


