Get The App

ડિજિટલ એરેસ્ટ સહિતના ફ્રોડ માટે વિદેશી ઠગોને 10 હજાર સિમકાર્ડ મોકલાયાં

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ડિજિટલ એરેસ્ટ સહિતના ફ્રોડ માટે વિદેશી  ઠગોને 10 હજાર સિમકાર્ડ મોકલાયાં 1 - image

યુપીમાં સક્રિય ટોળકીનો એક સાગરિત મુંબઈથી ઝડપાયો 

સીમ એક્ટિવેક કરવા બનાવટી આધાર નંબરોનો આશરો લેવાતો હતોઃ  એક ગ્રાહક સીમ મેળવે તેના દસ્તાવેજોથી બીજાં સીમ  ઈશ્યૂ કરાતું હતું

મુંબઇ -  મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ) અને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ દક્ષિણ મુંભઇના કોલાબા વિસ્તારમાં એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરી એક કુખ્યાત સાયબર ગુનેગારની ધરપકડ કરી હતી. પોલીસે પકડેલ શિહાન ઇસ્તિયાક શેખ (૩૫) છેલ્લાં ઘણા મહિનાઓથી ફરાર હતો અને યુપી- એસટીએફે તેના પર ૫૦ હજાર રૃપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

આ બાબતે વધુ વિગતાનુસાર શેખ કોલાબાની એક ટ્રાવેલ્સ કંપનીમાં નામ બદલીને કામ કરતો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી છે જે છેલ્લા પચ્ચીસ  વર્ષથી મુંબઇમાં રહેતો હતો. ગુપ્ત માહિતીના આધારે સીઆઇયુ અને યુપીએસટીએફે છટકું ગોઠવી તેને તાબામાં લીધો હતો. ગુરુવારે તેને કોર્ટે ત્રણ દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા બાદ એસટીએફની ટીમ તેનો કબ્જો લઇ લખનૌ જવા રવાના થઇ હતી. તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે શિહાન શેખ યુ.પી.ની એક મોટી સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો સભ્ય છે. તે મુંબઇથી મોટા પ્રમાણમાં સીમકાર્ડ ખરીદી ઉત્તર પ્રદેશમાં લઇ જતો. ત્યાં ગામમાં તેના મિત્રો- સાથીદારોને આ સીમકાર્ડ ૧૦૦૦થી ૧૨૦૦ રૃપિયામાં વેચી નાંખતો હતો.

તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે આ સીમકાર્ડ એક્ટિવેટ કરવા બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ટેલિકોમ કંપનીના અમૂક અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ફ્રોડસ્ટરોની આ ટોળકી એક્ટિવેટ થયેલા આ સીમકાર્ડ કંબોડિયામાં બેઠેલા સાયબર ફ્રોડસ્ટરોને પુરા પાડતા હતા. બદલામાં ફ્રોડસ્ટરો પાસેથી મોટી રકમ પડાવતા હતા. આ સીમકાર્ડની મદદથી ભારતમાં ડિજિટલ એરેસ્ટ 'સ્ટોક માર્કેટ ફ્રોડ' અને પાર્સલ સ્કેમ જેવા ગુનાઓ આચરવામાં આવતા હતા. ગયા ત્રણ વર્ષમાં આ ટોળકીએ ૧૦ હજારથી વધુ એક્ટિવ સીમકાર્ડ સાયબર ગુનેગારોને પુરા પાડયા હતા તેવું તપાસમાં સ્પષ્ટ થયું હતું.

આ પ્રકરણમાં આ પહેલા ટોળકીના સૂત્રધાર ઓમપ્રકાશ અગ્રહરી, ખાનગી ટેલિકોમ કંપનીના સેલ્સ એક્ઝિક્યુટીવ શિવદયાલ નિષાદ, જિતેન્દ્રકુમાર અને વકીલ રાહુલ પાંડે સહિત અનેકની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પ્રકાશે ડીસ્ટ્રીબ્યુટર શીપનો અંત આવ્યા બાદ બનાવટી પીઓએસ એજન્ટ બનાવ્યા હતા. આ લોકો ગ્રાહકોને એક સીમ આપી તેમના નામે બીજુ સીમ તેમની જાણ બહાર મેળવી કંબોડિયા મોકલી આપતા હતા. આ પ્રકરણે સૌ પ્રથમ ચિત્રકૂટના રાજાપુર પોલીસ મથકમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. શેખની ધરપકડ બાદ હવે આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના વધુ મોટા માથા પકડાય તેવી શક્યતા વર્તાવવામાં આવે છે.