Mumbai

દાદરમાં ટેમ્પો ટ્રાવેલરે બેસ્ટ બસ સહિત 3 વાહનને ટક્કર મારતાં 1નું મોત, 6 ઘાયલ

By GS TEAM
7 Oct 20252 mins read
દાદરમાં ટેમ્પો ટ્રાવેલરે બેસ્ટ બસ સહિત 3 વાહનને ટક્કર મારતાં  1નું મોત, 6 ઘાયલ

દારૃના નશામાં વાહન ચલાવનારા ડ્રાઈવરની ધરપકડ

બસ સ્ટોપ પર ઉભેલા પ્રવાસીઓ, રાહદારીઓને અડફેટમાં લીધા, એક ટેક્સી અને ટુરિસ્ટ વાહનને પણ ટક્કર મારી 

મુંબઈ -  મુંબઈના દાદર વિસ્તારમાં ગઈ કાલે રાતે ઝડપી ગતિએ આવી રહેલા ટેમ્પો ટ્રાવેલરે બેસ્ટ બસ અને અન્ય બે વાહનોને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે છ લોકો જખમી થયા હતા. દારૃના નશામાં બેફામપણે ટેમ્પો ટ્રાવેલર ચલાવનારા આરોપી યુવકને પોલીસે પકડી લીધો હતો એમ ઓફિસરે સોમવારે જણાવ્યું હતું.

દાદર  પ્લાઝા બસ સ્ટોપ પાસે ગઈ કાલે રાતે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર સંજય ધોંડુ કુંભાર (ઉં.વ.૨૭)ની ધરપકડ કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બૃહન્મુંબઈ  ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની વેટ-લીઝ બસ વરલી ડેપોથી પ્રતિક્ષા નગર તરફ જઈ રહી હતી. બસ દાદરમાં પ્લાઝા બસ સ્ટોપ પર પહોંચી હતી ત્યારે શિવાજી પાર્ક તરફ સ્પીડમાં જતા ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ટેમ્પો ટ્રાવેલરે બેસ્ટ બસના જમણી બાજુના આગળાના ટાયરને ટક્કર મારી હતી. બેસ્ટ બસ ડાબી બાજુ વળી ગઈ હતી. બસ સ્ટોપ પર ઉભેલા પ્રવાસીઓ અને રાહદારીઓ કચડાઈ ગયા હતા. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું.

બીજી  તરફ ટેમ્પો ટ્રાવેલરે ત્યાર બાદ અન્ય એક ટેક્સી અને ટુરિસ્ટ કારને ટક્કર મારી હતી.

અકસ્માતમાં  ઇજા પામેલા શહાબુદ્દીન (ઉં. વ. ૩૭), રાહુલ પડાલે (ઉં. વ. ૩૦), રોહિત પડાલે (ઉં. વ. ૩૩), અક્ષય  પડાલે (ઉં. વ. ૨૫), વિદ્યા  મોતે (ઉં. વ. ૨૮) સહિત સાત વ્યક્તિને  સ્થાનિક લોકો અને પોલીસની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં  ડોક્ટરે શહાબુદ્દીનને  મૃત જાહેર કર્યો હતો.

આ  દુર્ઘટના પછી ટ્રાફિક હળવો કરવા માટે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. બસને વધુ તપાસ માટે વડાલા ડેપોમાં ખસેડવામાં આવી હતી. આરટીઓ અધિકારીઓ પણ ઘટના સ્થલે પહોંચી ગયા અને અકસ્માતના ટેક્નિકલ કારણની તપાસ શરૃ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે 'શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અકસ્માત સમયે ડ્રાઇવર દારૃના નશામાં હોવાનું  પોલીસ તપાસમાં માલૂમ પડયું હતું.