મહારાષ્ટ્રની સ્કૂલોને પવિત્ર પોર્ટલ પર ખાલી રહેલી પોસ્ટની માહિતી અપલોડ કરવા સૂચના
મુંબઈ - મહારાષ્ટ્રમાં સરકારી શાળાઓમાં ૧૦,૦૦૦થી વધુ શિક્ષકની જગ્યાઓ માટે ૧.૭ લાખથી વધુ ઉમેદવારો હોડમાં છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને 'પવિત્ર' ભરતી પોર્ટલ પર ૩૧ મે સુધી ખાલી જગ્યાઓની માહિતી અપલોડ કરવા સૂચના આપી છે, જેથી ભરતી પ્રક્રિયાની શરૃઆત થઈ શકે.
આ ભરતીમાં ધોરણ ૧ થી ૧૨ સુધીના વિવિધ વિષયોના શિક્ષકોની જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકારી તેમજ અનુદાનિત ખાનગી શાળાઓને ૧ મેથી ૩૧ મે દરમિયાન તેમની ખાલી જગ્યાઓની માહિતી અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આ માહિતીનું પરીક્ષણ વિભાગીય ઉપશિક્ષણ નિયામકો દ્વારા કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ જ ભરતી માટે જાહેરાતો બહાર પાડવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા ગયા વર્ષે લેવાયેલી શિક્ષક અભિરુચિ અને બુદ્ધિમત્તા પરીક્ષા (ટૈટ) બાદ શરૃ થઈ રહી છે. આ પરીક્ષામાં ૨.૩ લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૨.૧ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંથી લગભગ ૧.૭ લાખ ઉમેદવારોએ સ્વ-પ્રમાણન (સેલ્ફ સર્ટીફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે તેઓ હવે ભરતી માટે પાત્ર બન્યા છે. આથી રાજ્યમાં શિક્ષકની નોકરીઓ માટે ભારે સ્પર્ધા અને માંગ જોવા મળી રહી છે.


