મુંબઈમાં રોજ સેનિટરી પેડ, ડાયપર, દવાઓનો 1.5 ટન કચરો જમા
મહાપાલિકાની આ કચરા માટેની સેવાને અત્યાર સુધી પાંગળો પ્રતિસાદ
હજુ ૧૧૪૦ સોસાયટી, ૬૭૭ બ્યુટી પાર્લર, ૨૭ ગર્લ્સ હોસ્ટેલ, ૭૫ શિક્ષણ સંસ્થાઓનું રજિસ્ટ્રેશનઃ ૮૦ ટકા સોસા નો પ્રતિસાદ બાકી
મુંબઇ: શહેરમાં એકઠા થતા કચરા વિશે પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ રોજ સેનિટરી પેડ અને ડાયપર તથા એક્સપાયર દવાઓનો ૧.૫ ટન કચરો જમા થાય છે.પાલિકાએ આ કચરાને કલેક્ટ કરવા ડોમેસ્ટિક સેનેટરી એન્ડ સ્પેશિયલ કેયર વેસ્ટ નામે વિશેષ સેવા ઉપલબ્ધ કરી છે. જોક ે પાલિકાના પ્રયાસો છતાં આ ઘરેલુ ખતરનાક કચરાને એકઠો કરવામાં પાલિકાને સોસાયટીઓ અને સંસ્થાનો પાસેથી જોઇએ તેવો પ્રતિસાદ મળતો નથી.
પાલિકા સેનેટરી પેડ, ડાયપર અને એક્સપાયર દવાઓ જેવા ખતરનાક કચરાને વૈજ્ઞાાનિક રીતે નષ્ટ કરવા માટે અલગથી તેના કલેક્શન માટેનું અભિયાન બે મહિના પહેલાં ચાલુ કર્યું હતું. એકઠા થયેલા કચરાને છ પ્લાઝ્મા ઇન્સિનેરેશન મશીનોમાં નષ્ટ કરવામાં આવે છે. આમાં અન્ય કચરો જેવો કે પાળેલા પ્રાણીઓના સામાનનો કચરો, વેક્સિંગ શીટ, પીપીઇ કિટ અને ફેસ માસ્ક પણ સામેલ છે.
પાલિકાના આંકડા પ્રમાણે અત્યાર સુધી ૧૯૧૯ રજીસ્ટ્રેશન થયા છે, જેમાંથી ૧૧૪૦ હાઉસિંગ સોસાયટી, ૬૭૭ બ્યુટી પાર્લર, ૭૫ શૈક્ષણિક સંસ્થાનો અને ૨૭ ગર્લ્સ હોસ્ટેલ સામેલ છે. જેના દ્વારા લગભગ સાડા ચાર લાખ લોકો આ પહેલમાં જોડાયા છે. પાલિકાએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડવા માટે જાગરૂકતા અભિયાન પણ ચલાવાઇ રહ્યા છે. પાલિકાના પ્લાઝ્મા મશીનોની કુલ ક્ષમતા ૪૦ ટન પ્રતિદિન છે. રોજનો ૨૦ ટન જોખમી કચરો એકઠો કરવાના લક્ષ્યને પહોંચવા માટે હજી ૮૦ ટકા સોસાયટીઓ અને અન્ય સંસ્થાનો આ અભિયાનમાં હિસ્સો લે તે જરૂરી છે.
પાલિકાએ આ કચરાને એકત્ર કરવાની પ્રક્રિયાને સહેલી બનાવવા માટે ક્યુઆર કોડ સિસ્ટમ શરૂ કરી છે. રજીસ્ટર્ડ સંસ્થાઓને પીળા રંગની થેલીઓ અપાઇ છે અને રોજ કચરો લઇ જવાની સુવિધા પણ અપાય છે. વર્તમાનમાં શહેરમાં રોજ સાત હજાર મેટ્રિક ટન કચરો ભેગો થાય છે. જેમાંથી ૭૦થી ૮૦ ટન કચરો સેનેટરી વેસ્ટ સંબંધિત હોય છે. જેમાં સેનેટરી નેપકિન, ડાયપર, ટેમ્પોન, કોંડમ અને સ્વચ્છતા સંબંધિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ અભિયાનની શરૂઆતમાં પાલિકાએ બ્યુટી પાર્લર, હાઉસિંગ સોસાયટી અને મહિલા હોસ્ટેલ પર ફોકસ રાખ્યું હતું. જેમાં પાર્લરમાંથી અપેક્ષા કરતા વધુ રીસ્પોન્સ મળી રહ્યો છે.