ટંકારા ખાતેના ઓવરબ્રિજની છત ભરવાનું મુહૂર્ત ક્યારે આવશે?
ટંકારા, તા. 16 જુલાઈ 2020, ગુરુવાર
રાજકોટ-મોરબી હાઈવે બનાવવાની કામગીરી ચાલે છે. તેમાં ટંકારા ખાતે લતીપર ચોકડીએ ઓવર બ્રિજ બની રહ્યો છે. તેની કામગીરી બે વર્ષે પણ પૂરી થઈ નથી. ઓવરબ્રિજની છત ભરવાની બાકી છે.
ટંકારામાં ફેબ્રુઆરી માસમાં યોજાયેલા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ઋષિ બોધોત્સવમાં રાજ્યપાલ આવ્યા ત્યારે રાતોરાત ઓવરબ્રિજની નીચેના રસ્તાઓ ખુલ્લા કરાયા હતા. તેને પણ છ માસ જેટલો સમય વિતી ગયો છે. પરંતુ હજુ સુધી ઓવર બ્રિજની છત ભરવામાં આવી નથી.
આ જ રીતે ઓવર બ્રીજની બન્ને તરફ, રાજકોટ તથા મોરબી તરફ ઢાળીયા બનાવવાના છે તે કામ પણ અધૂરું છે. વાહન ચાલકો તથા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ટંકારા ખાતે રોડની કામગીરીમાં એક શાળાની દીવાલ તોડી પડાઈ છે. ત્યાં નવી દીવાલ બનાવવાની હતી તે પણ બની નથી. ફક્ત લોખંડના સળિયા દેખાય છે. ટંકારા મોરબી પાસેથી જિલ્લા કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે. પરંતુ ઓવરબ્રિજની અધુરી કામગીરી નજરે ચડતી નથી. ટંકારા તાલુકા ભાજપ મહામંત્રીએ ઓવર બ્રિજની કામગીરી તાકીદે ચાલુ કરવાની રજૂઆત કરી છે.