વાંકાનેર: બ્લેકમેઈલિંગથી ઉશ્કેરાઈ જઈને સાથી કર્મચારીએ યુવતીને મોતને ઘાટ ઉતારી
- વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ટોલનાકા નજીક આવેલી સુર્યા ઓઇલ મિલની ઘટના
મોરબી, તા, 8 ફેબ્રુઆરી 2019 શુક્રવાર
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ ઓઇલ મિલમાં છેલ્લા એક વર્ષથી કારખાનાનું બીલીંગનું કામ સંભાળતી 20 વર્ષીય યુવતીની હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વાંકાનેર સીટી પોલીસનો કાફલો દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકા નજીક સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી કવિતા કેતનભાઇ ચૌહાણ (ઉ.૨૦) (રહે વીસીપરા, વાંકાનેર) નામની યુવતીની ગઈકાલે સાંજે ઓઇલ મીલના રસોડામાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા તથા માથાના ભાગે લોખડના હથિયારનો ઘા મારી હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલાએ વધુ તપાસ ચલાવી છે.
ઘટના મામલે મૃતક યુવતીના પિતા કેતનભાઈ પન્નાભાઈ ચૌહાણએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કારખાનામાં નોકરી કરતો ધીરજ જીવાભાઈ આહીર (રહે-ભાટિયા સોસાયટી, મૂળ-જુનાગઢ)ને તેની દીકરી કવિતા કોઈ બાબતે બ્લેકમેઈલ કરતી હતી. જેથી ધીરજ આહિરે ઉશ્કેરાઈ જઈને મૃતક કવિતા રસોડામાં હોય દરમિયાન માથાના પાછળના ભાગે લોખડના હથિયાર વડે માર મારી તથા ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદના આધારે તપાસ ચાલવી છે તો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.