મોરબી: વાંકાનેર પાસે જમીનમાં દાટેલો 140 બોટલ દારૂ ઝડપાયો
પોલીસની ટીમે પાવડા-કોદાળીથી સરકારી ખરાબાની જમીનમાં કરવું પડ્યું ખોદકામ
મોરબી, તા. 17 જાન્યુઆરી 2019 ગુરુવાર
વાંકાનેર પંથકમાં વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે આર. આર. સેલની ટીમના દરોડા સતત ચાલુ જ છે. જેમાં હવે યજ્ઞપુરુષ ગામ નજીક સરકારી ખરાબામાં દાટીને છૂપાવવામા આવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહની સુચનાથી આર. આર. સેલ ટીમના પીએસઆઈ એમ. પી. વાળા સહિતની ટીમે બાતમીને આધારે વાંકાનેરના યજ્ઞપુરુષ ગામના પાટીયા પાછળ આવેલી સરકારી ખરાબાની જગ્યામાં દરોડો કર્યો હતો. પરંતુ પ્રથમ નજરે ત્યાં કંઈ દેખાયું નહીં. જેથી ઝીણવટભરી તપાસ કરવામાં આવતા એક જગ્યાએ જમીન ઉપસેલી હતી. જયાં પોલીસની ટીમે પાવડા-કોદાળીથી સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું.
અંતે ત્યાં સરકારી ખરાબાની જમીનમાં દાટીને સંતાડીને રાખવામાં આવેલી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૧૪૦ કિ.રૂ.૪૨,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદામાલ જપ્ત કરીને વાંકાનેર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દારૂ રાખનાર આરોપી ગીરીરાજસિહ અગરસિહ વાળા (રે.ગારીયા, તા.વાંકાનેર)નું નામ ખુલતા તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.