મોરબી : બે દિવસ પૂર્વેના બનાવમાં માળિયાના PSI યુવાનને માર મારતા હોવાની વીડિયો વાઈરલ
- આરોપી પેરોલ પર છૂટયા બાદ હાથમાં પથ્થરો લઈ પોલીસ પર હુમલો કરવાની તૈયારીમાં હોઈ જવાબી કાર્યવાહી
મોરબી, તા. 28 જૂન 2019, શુક્રવાર
માળિયાના પીએસઆઈ સહિતની ટીમ એક યુવાનને માર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પીએસઆઈ યુવાનને ફટકારે છે. જો કે જે યુવાનને માર મારવામાં આવી રહ્યો છે તેને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવાનો આરોપીનો ઈરાદો હોય જેથી પોલીસને નાછૂટકે માર મારવો પડયો હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ છે.
માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલા એક યુવાનને માર મારતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે વિડીયો બે દિવસ પૂર્વેનો છે અને પોલીસ આરોપીને પકડવા ગઈ હોય ત્યારે પોલીસ ટીમ પર હુમલો કરવાના ઈરાદે આરોપી યુવાને પથ્થર ઉઠાવ્યા હતા અને જવાબમાં પોલીસે યુવાનને માર મારવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
બનાવ અંગે માળિયા પીએસઆઈ જે.ડી. ઝાલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ફારૂક જેડા નામનો શખ્સ તાજેતરમાં જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ તેની સામે ફરિયાદ કરનાર મીનાજબેન શાહબુદીન ગોવાણી નામની મહિલાના ઘરે જઈને આતંક મચાવી માર મારી ધમકી આપી હતી. તેમજ ઘરમાં તોડફોડ કરી હતી. જે આરોપીને પકડવા બે દિવસ પૂર્વે માળિયા પોલીસની ટીમ પહોંચી હતી.
જો કે આરોપીએ હાથમાં પથ્થર ઉઠાવી પોલીસને પડકારી હતી અને પોલીસ પર હુમલો થાય તેવી દહેશતને પગલે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ફારૂક જેડા નામનો શખ્સ માળિયા પંથકમાં કુખ્યાત છે જે લૂંટના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ છે તેમજ જેલમાં બંધ હોય જે આરોપીએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને ફરી પોત પ્રકાશ્યું હતું અને ફરિયાદી મહિલાના ઘરે આતંક મચાવ્યો હતો. એટલું જ નહિ પરંતુ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવા સુધીની તૈયારી કરી હોય જેથી સમગ્ર બનાવ બન્યો હોવાનો ખુલાસો પોલીસ ટીમ કરી રહી છે.