લૂંટ ચલાવીને ભાગવા જતાં બાઇક સ્લિપ, બે લૂંટારૂ ઘવાયા!
- ટંકારાના વીરપર નજીકનો બનાવ, ઘવાયેલા શખ્સો સારવાર માટે રાજકોટ ખસેડાયા
મોરબી, તા. 17 માર્ચ 2020, મંગળવાર
ટંકારાના વીરપર નજીક સોમવારે બપોરના સુમારે ધોળે દિવસે છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે લૂંટ કરી નાસવા જતા બાઈક સ્લીપ થવાને કારણે બંને લૂંટારૂઓ ઈજાગ્રસ્ત થયા હતા.
મોરબીના ચાંચાપર ગામના રહેવાસી અશ્વિનભાઈ જીવરાજભાઈ કુંડારિયા તેના દીકરાની સ્કુલે કામ અંગે જતા હતા એ દરમિયાન મોરબી રાજકોટ હાઈવે પર વીરપર નજીક બે શખ્સો નંબર પ્લેટ વગરના બાઈક લઈને આવ્યા હતા. છરી બતાવીને અશ્વિનભાઈના પાકીટમાંથી 7500 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આગળ થોડે દૂર લૂંટારૂનું બાઈક સ્લીપ થતાં બાઈકસવાર નદીમ સતારભાઈ વડગામા અને હુસેન ઈસાભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. જેને હાલ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે અને સારવાર પૂરી થયા બાદ બંને આરોપીની લૂંટના ગુના સબબ ધરપકડ કરવામાં આવશે એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.