ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા અકસ્માત, યુવાનનું કરૂણ મોત
- ત્રણ મહિના પહેલા જ ખરીદેલો ફોન ખિસ્સામાં અચાનક ફાટતા યુવાને બાઈક પરથી કાબુ ગુમાવી દીધો! મોરબી, તા.
- મોરબી નજીક વિચિત્ર દુર્ઘટના
મોરબી, 17 જુલાઈ, 2020, શુક્રવાર
ચીનની ચીજવસ્તુઓ ગુણવત્તાની બાબતમાં હમેશા હલકી સાબિત થતી હોય છે અને આવી હલકી ગુણવત્તાની પ્રોડક્ટના પગલે ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે આવો કિસ્સો મોરબીમાં બન્યો છે. જેમાં ચાઈનાનો મોબાઈલ ખિસ્સામાં ફાટતા બાઈકસવાર યુવાને કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને તેણે જીવ ગુમાવવો પડયો હતો
વાંકાનેરના રહેવાસી ચિરાગ ભુપેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ.૪૨)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસીયા જીઆઈડીસી ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો મૂળ યુપીનો વતની ગુડ્ડુ શ્રીભાઈ સાહની (ઉ.વ.૨૭) નામનો યુવાન વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે બાઈક લઈને મોરબી તરફ જતો હતો રસ્તામાં તેના પેન્ટના ખિસ્સામાં રહેલ મોબાઈલ અચાનક ફાટતા યુવાને બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું અને પડી જતા ગંભીર ઈજા થવાથી મોત થયું છે
જે બનાવ અંગે મોરબી જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે યુવાનના ખિસ્સામાં રહેલ ચાઇનીઝ કંપનીનો રેડમીનો મોબાઈલ હતો યુવાને ત્રણ માસ અગાઉ જ મોબાઈલ ખરીદ્યો હતો. જે ફાટતા યુવાને બાઈક પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો બનાવની નોંધ કરી પોલીસે મોબાઈલ એફએસએલ લેબમાં મોકલી વધુ તપાસ ચલાવી છે