મોરબીની મચ્છુ જળ હોનારતની આજે 42મી વસમી વરસી
- મચ્છુનાં ધસમસતાં પાણી કેટલી માનવ જિંદગીને તાણી ગયા એ રહસ્ય અકબંધ
- ૧૮૦૦ કે ૨૫૦૦૦?! સરકારી રીપોર્ટથી માંડીને લોકમુખી ચર્ચાઓમાં હજુ પણ મોટા તફાવત સાથે તરેહતરેહના અંદાજ!
મોરબી
૪૨ વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને. જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને ૪૨-૪૨ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. ભયાવહ હોનારતમાં સરકારે ૨,૦૦૦ જેટલા લોકોનાં મોતનો અંદાજ લગાવ્યો હતો, પણ સ્થાનિક લોકો કહેતા આવ્યા છે કે ૨૦,૦૦૦થી વધુ માનવીનો ભોગ મચ્છુનાં ધસમસતા પાણીએ ભોગ લીધો હતો.
તારીખ ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯.. જયારે અવિરત મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ પાણીના સખત પ્રવાહને જીલી શક્યો નહોતો અને ડેમની એક દીવાલ તૂટી પડતા મહાવિનાશ સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો નહોતો કે આવી હોનારતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ નો એ દિવસ અને સમય હતો બપોરે ૩.૧૫ નો.. જયારે મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા લોકોને એવી ચેતવણી આપવામાં આવી કે, 'ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ ભયજનક બન્યો છે તો લોકો સલામત સ્થળોએ જતાં રહે.' પરંતુ ડેમ સાઈટ પરથી સંદેશા વ્યવહાર ઠપ થઈ જતાં મચ્છુ ડેમ તૂટયો હોવાની જાણ કરી શકાય નહોતી. જેથી લોકો જળ હોનારત વિશે કંઈ વિચારે કે સમજે તે પહેલા જ બપોરે ૩.૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને આખ્ખા શહેરને વેરવિખેર કરી નાખ્યું હતું. એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.
એ ગોઝારા દિવસે મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ થયું હતું. માત્ર બે કલાકના સમયગાળામાં તો મોરબીને તારાજ કરીને મચ્છુનાં પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાંય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાઈ ગયેલા મોરબીવાસીઓએ જીવ બચાવવા આમથી તેમ દોડ લગાવી હતી. પરંતુ એ સમયે પાક્કા અને બહુમાળી મકાનો બહુ ઓછા હતા એટલે જીવ બચાવવા ક્યાં જવું ? કારણ કે, ૧૦-૧૫ ફૂટ ઉંચે સુધી પાણી ફરી વળ્યા હતા. ઘણા લોકોએ ઈમારતો અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ અનેક ઈમારતો અને મકાનો પણ પાણીના પ્રવાહનો સામનો કરી નહીં શકતા જમીનદોસ્ત બની ગયા હતા.
ગલી હોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. પૂરમાં હોમાઈ ગયેલી માનવ મૃતદેહો ઠેર-ઠેર પડયા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા, જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડયા રહ્યા હતા. એ વખતે ટાંચા સરકારી સંસાધનોને કારણે રેસ્કયુ અને સર્ચ ઓપરેશનમાં પણ વિલંબ થયો એટલે ખરો મૃત્યુઆંક બહાર આવ્યો જ નહીં. યોગ્ય રેકોર્ડ અને કોઈપણ ઓળખ પૂર્ણ થાય એ પહેલા માનવ અને પશુઓનાં ઠેર-ઠેર રઝળતા મૃતદેહોથી રોગચાળો ફેલાવાનું જોખમ લાગતા સામુહિક અગ્નિદાહ કે દફનવિધીઓ કરી નાખવામાં આવી હતી. પરિણામે આજે પણ મોરબી જળ હોનારતનો સાચ્ચો મૃતાંક બહાર આવ્યો નથી. સરકારી રીપોર્ટ અને જુદા-જુદા સર્વેક્ષણ ઉપરાંત જાગૃત લોકોએ લગાવેલા અંદાજ પ્રમાણે મોટા તફાવત સાથે ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોનાં મોત થયા હોવાનું જ નોંધાયું છે.