હોમ લોનના હપ્તા ભરવા વ્યાજે રકમ લીધી, ને યુવક વિષચક્રમાં ફસાઈ ગયો
મોરબીમાં વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અન્ય બનાવમાં ધંધાર્થી પાસેથી રોજ વ્યાજ વસૂલી, પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ૩ વ્યાજખોરો સામે ફરિયાદ
મોરબી, : મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. મોરબીમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવાન હોમ લોનના હપ્તા ભરવા વ્યાજે રૂપિયા લીધા બાદ વ્યાજના વિષયક્રમાં ફસાયો છે. જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે અન્ય બનાવમાં ધંધાર્થી પાસેથી રોજનું વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર ત્રણ વિરૂધ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રૂપેશ હરજીવનભાઈ રાણીપાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ ૨૦૨૦ માં યુવાને ઘર લોન પર ખરીદી કર્યું હતું અને કોરોનાને કારણે વેપાર બરોબર ચાલતો ના હોવાથી હોમલોનના હપ્તા ભરવા માટે રૂપિયાની જરૂરત પડતા તેમના વિશાલ બચુભાઈ ગોગરા પાસેથી કટકે કટકે વ્યાજે રકમ લીધી હતી. વ્યાજ છએક માસ ભર્યા બાદ વ્યાજની રકમ ચૂકવાય તેમ ના હોવાથી વ્યાજ આપવાનું બંધ કર્યું હતું. જેથી ગત દિવાળી પહેલા વિશાલભાઈએ આવીને કહ્યું કે તને વ્યાજે આપેલ છે તે મૂડી અને વ્યાજના મળીને કુલ રૂા ૩ લાખ તારે આપવાના છે. જેથી રૂપેશભાઈએ પિતાને વાત કરતા ખેતીની આવકમાંથી રૂા ૨ લાખ વિશાલભાઈને આપી દીધા હતાં ત્યારે તેને કોરો ચેક પરત આપી દીધો હતો.
બાદમાં આશરે દસ બાર દિવસ પૂર્વે ફરિયાદી પોતાના ઘરે હાજર ના હોય ત્યારે ઘરે આવી આરોપીએ માતા પિતા તેમજ પત્નીની હાજરીમાં વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી હતી. અને ફોન કરી તેમજ રૂબરૂ મળીને મૂડી તેમજ વ્યાજના રૂા ૧ લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. યુવાને કુલ દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હોય જેના તેને રૂા ૩.૬૦ લાખ વ્યાજ આપેલ છે અને મૂડી પેટેના રૂપિયા ૧.૫૦ લાખ આપેલ છે. છતાં હજુ એક લાખની ઉઘરાણી મામલે ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરીશ કહેતા ધમકી આપી હતી કે તારે મને રૂપિયા ૪ લાખ આપવા પડશે નહીતર તારા હાથ પગ ભાંગી નાખીશ કહીને ધમકી આપી હતી. મોરબી પોલીસે આરોપી વિશાલ બચુભાઈ ગોગરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના શનાળા રોડ પર રહેતા મિલનભાઈ જયંતીભાઈ અગોલાએ પ્રવીણભાઈ (રહે. ખાનપર) પાસેથી વ્યાજે લીધા હતાં. દેવશીભાઈ (રહે. ખાનપર) અને સુરેશભાઈ (રહે. ખાખરાળા) પાસેથી વ્યાજે રકમ લીધી હતી. જેનું રોજનું વ્યાજ ચૂકવવા છતાં ત્રણેય વ્યાજખોરો અવારનવાર ઘરે આવીને ફરિયાદી તેમજ તેના પત્નીને ગાળો બોલી પરિવારને જો રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હતા અને આ લોકોના ત્રાસથી ફરિયાદી મિલનભાઈએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ેઆરોપી પ્રવીણભાઈ રહે. ખાનપર, દેવશીભાઈ રહે. ખાનપર અને સુરેશભાઈ રહે. ખાખરાળા વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.