ત્રીજા માળેથી યુવકની છલાંગ, વીજ તાર ઉપર પડતાં કરંટથી મોત
- મોરબીના લાયન્સ નગર વિસ્તારમાં અરેરાટીભરી ઘટના
- મકાન ખાલી કરાવવા થયેલી માથાકુટ બાદ બે શખ્સોએ ધમકાવ્યો હોવાથી ગભરાયેલા યુવાને મારથી બચવા ગેલેરીમાંથી ઝંપલાવ્યું : હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ લીધા અંતિમ શ્વાસ
મોરબી, તા.08 એપ્રિલ 2020,બુધવાર
મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગરમાં ભાડાનું મકાન ખાલી કરાવવા બાબતે થયેલ માથાકૂટ બાદ બે શખ્શોએ યુવાનને ધમકાવ્યો હોય અને માર મારવાના ઈરાદે આવ્યા હોય જેથી ડરી ગયેલા યુવાને ત્રીજા માળે ગેલેરીમાંથી કુદકો માર્યો હતો અને વીજશોક લાગતા યુવાનનું મોત થતા પોલીસે બે સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દક્ષાબેન ગોસ્વામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ અશોકપરી ગોસ્વામી (ઉ.વ.૩૭) ને અગાઉ ફ્લેટમાં રહેતા સુરજ્ભાઈ ગઢવી અને અન્ય સાથે ઝઘડો થયો હતો અને આ બાબતનો ખાર રાખી અબુ મુસાભાઈ અને રાજીયો પરમાર ફ્લેટે મારવા આવવાના છે તેવી જાણ થઇ હતી અને રાત્રીના સાડા અગિયારના સુમારે બંને ઈસમો હાથમાં લાકડાના ધોકા લઈને આવતા હોય જેથી ફરિયાદીના પતિ અશોકપરી ગોસ્વામી અને તેના મિત્રોને બીક લાગતા પતિ અશોક અને મિત્ર મનોજ ઉપરના ધાબા બાજુ દોડીને ભાગવા લાગ્યા હતા અને ગૌરાંગ નીચેના માળે ભાગી ગયા હતા.
દરમીયાન ફરિયાદીના પતિ અશોકપરી બે શખ્શો માર મરવા આવતા હોય જેથી ડરી જતા ત્રીજા માળે ગેલેરીમાંથી કુદી પાડતા તેને ઇલેક્ટ્રિક લાઈનના તાર પર પડતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવને પગલે બંને ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.