Updated: Apr 13th, 2023
વાંકાનેર તાલુકાના જાંબુડિયા ગામ પાસે બે અકસ્માત : ડમ્પરે બાઇકને ટક્કર મારતાં માતાનું મોત, પુત્ર ઘાયલઃ ઢુવા ખાતે દીકરી પાસેથી લીધેલા ઘઉંના પૈસા આપવા જતા હતા ત્યારે અકસ્માત
મોરબી, : વાંકાનેરના જાંબુડિયા ગામ પાસે બે અકસ્માતમાં બેના મોત થયા છે. જાંબુડિયા ગામના પાટિયા નજીક બેકાબુ ટ્રક ટ્રેઇલરના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જે બનાવમાં બાઈક સવાર 43 વર્ષના યુવાનનું મોત થયું હતું. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ડબલ સવારી બાઈકમાં માતા અને પુત્ર જતા હોય જાંબુડિયા ઓવરબ્રિજ સર્વિસ રોડ પર બાઈકને ડમ્પર ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક યુવાનને ઈજા પહોંચી હતી. તો પાછળ બેસેલ યુવાનની માતાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
વાંકાનેરના ખીજડીયા રાજ ગામના રહેવાસી સિદ્ધરાજભાઈ ઉર્ફે શામો ઉપેન્દ્રભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પિતા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી (ઉ.વ. 43) ઢુવા નજીક આવેલ અમૃત સિરામિક કારખાનામાં પેકિંગ વિભાગમાં કોન્ટ્રાકટ રાખતા હોય જ્યાં અપડાઉન કરતા હતા. ગત રાત્રીના 12 વાગ્યા બાદ ગામના રાહુલ સવશી કોળીનો ફોન આવ્યો હતો કે તારા બાપુજીનું ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે અકસ્માત થયું છે. જેથી તેઓ દોડી ગયા હતા અને સ્થળ પર ટેઈલર અને પિતાનું બાઈક ત્યાં પડયું હતું અને પિતાને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી પોતાનું બાઈક GJ 36 H 3812 લઈને ઢુવાથી વાંકાનેર નેશનલ હાઇવે પર જતા હતા. ત્યારે ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે ટેઈલર ના ચાલકે સાઈડ સિગ્નલ બતાવ્યા વગર વણાંક લેતા બાઈક સાથે અકસ્માત થતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ભીમસર વેજીટેબલ રોડ પર રહેતા હરેશભાઈ જેન્તીભાઈ કુંધીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના ભાઈ પ્રકાશ અને માતા બાઈક લઈને બેન નંદુબેન ઢુવા ખાતે સાસરે હોય અને તેની પાસેથી ઘઉં લીધા હોય જેના પૈસા આપવા ગયા હતા. જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ભાઈ અને માતાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં માતા જયાબેનને ગંભીર ઈજા થતા મોત થયું હતું અને ભાઈ પ્રકાશને ઈજા પહોંચી હતી. આમ પ્રકાશ તેની માતાને લઈને બાઈકમાં ઢુવાથી મોરબી આવતા હતા ત્યારે જાંબુડિયા ઓવરબ્રિજ સવસ રોડ પર ડમ્પરના ચાલકે પાછળ જોયા વિના સ્પીડમાં વાળી લેતા બાઈકને અડફેટે લઈને પછાડી દીધા હતા જેમાં મહિલાનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.