મોરબી જિલ્લાના જળાશયો ખાલી થવાને આરે: માત્ર 15 ટકા જળ જથ્થો બચ્યો
- તીવ્ર જળ કટોકટીના એંધાણ
- ગત વર્ષે અપુરતા વરસાદથી ડેમોમાં પુરતો જળ સંગ્રહ થયો ન હતો : 10 ડેમ માંથી ડેમ 1,2,3 અને બંગાવડી ડેમ સાવખાલી
મોરબી,તા.29 એપ્રિલ 2019, સોમવાર
ગત ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે મોરબી જિલ્લાના જળાશયો ભરાયા ના હતા. જેથી આ વર્ષે ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ ડેમો ખાલી થવા લાગ્યા છે. હાલ મોરબી જીલ્લાના ૧૦ માંથી ૪ ડેમો ખાલીખમ છે તો અન્યમાં પણ નજીવો જળજથ્થો ઉપલબ્ધ જોવા મળે છે. હાલ માત્ર ૧૫ ટકા જળ જથ્થો બચ્યો છે.
મોરબી જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે ડેમ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના કુલ ૧૦ ડેમોની કુલ ૧૦,૯૭૦ એમસીએફટી સંગ્રહ શક્તિ સામે ફક્ત ૧૬૯૬ એમસીએફટી જળજથ્થો છે જેમાં જીવંત જથ્થો માત્ર ૧૩૭૩ જ બચ્યોે છે એટલે કે જીલ્લાના કુલ સ્ટોરેજ સામે હાલ માત્ર ૧૫.૧૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ છે.
મોરબી જિલ્લાના એક માત્ર મચ્છુ ૨ ડેમમાં ૨૮ ટકા જથ્થો છે જ્યારે અન્ય ડેમોમાં ૧૬ ટકા, ૧૩ ટકા અને ૧૦ ટકા જેટલો જથ્થો બચ્યો છે અને ચાર ડેમોે ડેમ ૧,૨,૩, અને બંગાવડી ડેમ સાવ ખાલીખમ જોવા મળે છે જેથી આ વર્ષે જળકટોકટી સર્જાઈ શકે તેવા એંધાણ મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત રવિપાકની સીઝનમાં પણ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળ્યુ ના હતું. અને નજીવો જળજથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે ચાલુ વર્ષે ચોમાસું કેવું રહે છે તેના પર સર્વત્ર આધાર છે અન્યથા ફરીથી જગતનો તાત સિંચાઈના પાણી વિના રહેશે.