For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝુલતા પૂલ દુર્ઘટનાના એફએસએલ રિપોર્ટમાં વધુ ગંભીર બેદરકારી ખુલી

Updated: Nov 22nd, 2022

Article Content Image

- કટાયેલા કેબલ, તુટેલા એન્કર રિપેર ન કર્યા,ઓઈલીંગ પણ ન કર્યું

- નવ આરોપીની જામીન અરજી સામે રિપોર્ટ કોર્ટમાં રજૂ, આજે ચૂકાદોઃ દુર્ઘટનાના 23 દિવસે મુખ્ય જવાબદાર ઓરેવાના માલિક હજુ આઝાદ પૂલ પર 100 ની ક્ષમતા છતાં 3165 ટિકીટ ઈસ્યુ, સલામતિનો કોઈ બંદોબસ્ત પણ એજન્સીએ કર્યો ન્હોતો  મોરબીમાં 135નો ભોગ લેનાર દુર્ઘટનામાં જયસુખ પટેલ અંગે પોલીસનું મૌન, મૃતકોને ન્યાય ક્યારે મળશે ?

રાજકોટ,મોરબી : સમગ્ર દેશમાં શોકનું મોજુ ફેલાવનાર મોરબીનો ઝુલતો પૂલ માનવસર્જિત ઘોર લાપરવાહીથી તુટી પડતા 135ના કમકમાટીભર્યા મોત નીપજ્યા અને અનેક ઘાયલ થયા તેમાં આ ઝુલતો પૂલ પોતાને ગમતી શરતોએ સુધરાઈ પાસેથી કબજો લેનાર અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રા.લિ. (ઓરેવા ગુ્રપ)ના જયસુખ પટેલ સુધી હજુ પોલીસ પહોંચી નથી ત્યારે આ કેસમાં ચોકીદાર,ગાર્ડ, કોન્ટ્રાક્ટર, કંપનીના કર્મચારી સહિત પકડાયેલા નવ આરોપીઓએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં એફ.એસ.એલ.નો રિપોર્ટ રજૂ કરાયો તેમાં વધુ ગંભીર લાપરવાહીઓ સામે આવી છે. આવતીકાલે જામીન અરજીનો ચૂકાદો જાહેર થશે. 

ઓરેવા ગુ્રપ જેના મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટ માટે સીધું જવાબદાર  હતું તે ઝુલતા પૂલમાં આ રિપોર્ટ મૂજબ (1) દુર્ઘટનાના દિવસે તા.30-10-2022ના 3165 ટિકીટ ઈસ્યુ કરી દેવાઈ હતી. પૂલની ક્ષમતા મહત્તમ 100 લોકોની હતી અને એ વાત વર્ષોથી જાણીતી હતી. છતાં કાઉન્ટર પરથી પૈસા કમાઈ લેવા ટિકીટો ઈસ્યુ થતી ગઈ. (2) આરોપીઓ પૈકી ત્રણ સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલિપ ગોહિલ અને મુકેશ ચૌહાણને પૂલ પર અવરજવર મેઈન્ટેન કરવા કોઈ તાલીમ જ અપાઈ ન્હોતી (3) બ્રિજનો કેબલ કાટ ખાઈ ગયો હતો અને આ કેબલ અને દોરડાના આધારે જ પૂલ ટક્યો હતો તે જાણવા છતાં  દતે બદલવામાં નથી આવ્યા. તુટેલા એન્કર પણ રિપેર નથી કરાયા. (4) પૂલ પર કોઈ સ્વીમર કે લાઈફ ગાર્ડ કે બોટ જેવી સલામતિની કોઈ વ્યવસ્થા ન્હોતી. (5) ભીડ વધી જાય ત્યારે દરવાજો બંધ કરવાનો હોય તેના બદલે લોકોને પલૂલ પર જમા થવા દેવાયા હતા.સીસીટીવી કેમેરા મુકવા છતાં તેનું મોનીટરીંગ કરાયું ન્હોતું. (6) ઝુલતો પૂલ જર્જરિત થવાથી જ બંધ થયો હતો અને તેના બોલ્ટ ખુલી ગયા હતા, રસ્સી,એન્કર તુટેલા હતા છતાં ઓરેવા કંપનીએ કરારમાં તેનું રિનોવેશન કર્યું નથી.  (7) જરૂરી ગ્રીસ કે ઓઈલીંગ પણ કરવામાં ન આવ્યું હતું અને સડેલો સામાન બદલાયો ન્હોતો. 

ઉલ્લેખનીય છે કે ઝુલતા પૂલ સંભાળતી વખતે માર્ચ-2022માં સુધરાઈ સાથે થયેલા કરારમાં અજન્તા મેન્યુ.પ્રા.લિ. (ઓરેવા ગુ્રપ)ના જ હસ્તાક્ષર છે અને પૂલનું ઉદ્ધાટન ઓરેવાના માલિક જયસુખ પટેલે કર્યું હતું. આમ, પ્રાથમિક જવાબદારી તેની બને છે તે પ્રાથમિક તારણ પૂલ તુટયો ત્યારે જ  નીકળ્યું હતું છતાં પોલીસે એફ.આઈ.આર.માં કપનીનંં પણ નામ નહીં લખીને આજ 23 દિવસ પછી પણ જયસુખ પટેલને આઝાદ ફરવા દીધેલ છે. શા માટે અટક નથી કરાઈ તે અંગે મગનું નામ મરી પડાતું નથી.

બીજી તરફ આ દુર્ઘટનામાં મુખ્ય આરોપી ભાજપના નેતાઓના સંબંધી છે તેમ કહીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા છે. વડાપ્રધાને મોરબીની મુલાકાત લીધી પછી પણ કંપનીના કોઈ માલિક પકડાયા નથી કે ક્લીન ચીટ પણ જાહેર થઈ નથી. મૃત્યુ પામેલાના વારસોને નજીવી સહાય અપાઈ છે અને કોઈના ઘરનો મોભી, યુવાન ચાલ્યો જાય ત્યારે આ રકમ નજીવી છે તો બીજી તરફ આ દુર્ઘટનાના મુળ દોષિતોને થાબડભાણાની ફરિયાદો વચ્ચે હજુ ન્યાય પણ મળ્યો નથી.

Gujarat