પાણી ન આવતા ખાલી કેનાલમાં બેસીને ખેડૂતોએ બોલાવી રામધુન
- મોરબી નજીક ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલનાં સ્થળે નવતર વિરોધ પ્રદર્શન
- 15 દિવસ પહેલા ઉપરથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું પણ હજુ સુધી ખેડૂતો સુધી નહીં પહોંચતા ઠાલવાયો આક્રોશ
મોરબી,તા. 17 જુલાઈ 2019, બુધવાર
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં જાણે ચોમાસાએ દેખા જ ન દીધી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જેમાં કેટલાય ગામોમાં મંદિરોમાં રામધુન બોલાવી વરસાદને રિઝવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, મોરબી નજીક ખેડૂતોએ કેનાલ મારફત પાણી નહીં મળતા ખાલીખમ કેનાલમાં બેસી રામધુન બોલીને નવતર રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતમાં સામાન્ય રીતે જુનના મધ્યે ચોમાસું શરુ થતું હોય છે. પરંતુ સૌરાષ્ટ્રથી જાણે મેઘરાજા રિસાયા હોય તેમ અડધો જુલાઈ માસ વીત્યા બાદ પણ વરસાદ હજુ વરસ્યો નથી. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તેમાંય મોરબીની હાલત ઘણી નાજુક છે. ગત વર્ષે અપૂરતા વરસાદને પગલે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું અને હજુ આ વરસે પણ વરસાદ થયો નથી ત્યારે લોકોને હવે ફક્ત કેનાલ પર આધારિત રહેવું પડે છે.
જેમાં ગુજરાતનાં ઉપરવાસના રાજ્યમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમમાં નવા નીર આવ્યા હતા. જેથી રાજ્ય સરકારે નર્મદા કેનાલમાં પાણી છોડવાનું નક્કી કર્યું હતું. જેથી ખેડૂતોને આંશિક રાહત મળી હતી, પણ આવી જ એક ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ જેના દ્વારા મોરબીના કેટલાક ગામોનાં ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે, તેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર લગભગ ૧૫ દિવસ પહેલા પાણી છોડવામાં આવ્યું હતું, પણ એ હજુ સુધી જરુરીયાતમંદ ખેડૂતો સુધી પહોચ્યુ જ નથી.
પરિણામે ખેડૂતોએ તંત્રની આંખ ખોલવા માટે ભગવાન પાસે રજૂઆત કરી હતી મોરબી તાલુકાના જીવાપર, ચકમપર અને કેશવનગર ગામના ખેડૂતોએ ખાલી કેનાલમાં જ બેસીને રામધુન બોલાવી તંત્ર અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી.