Get The App

કોમ્પ્યુટર ઓપરેટર યુવતીની હત્યા ખુદ મેનેજરે જ કર્યાનો ઘટસ્ફોટ

- વાંકાનેર પાસે ઓઇલ મિલનાં બનાવનો ભેદ ખુલ્યો

- વધુ કામ કરાવાઇ રહ્યાનું વારંવાર કહીને મિલ માલિકને ફરિયાદ કરવા યુવતી બ્લેકમેઇલ કરતી હોવાથી મારી નાંખ્યાની મેનેજરની કબૂલાત

Updated: Feb 8th, 2019

GS TEAM

Google News
Google News
કોમ્પ્યુટર ઓપરેટર યુવતીની હત્યા ખુદ મેનેજરે જ કર્યાનો ઘટસ્ફોટ 1 - image



મોરબી, વાંકાનેર, તા,8 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

વાંકાનેરમાં મોરબી રોડ ઉપર વઘાસીયા ટોલ નાકા પાસે આવેલી સૂર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મિલમાંથી ગઇકાલે સાંજે કોમ્પ્યુટર ઓપરેટર કવિતા કેતનભાઇ ચૌહાણ નામની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.  જેમાં મેનેજર ધીરજ જીવાભાઇ આહિર (ઉ. ૩૦)એ જ યુવતીનાં બ્લેકમેઇલીંગથી કંટાળીને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલત ચકચાર મચી જવા પામી છે. 

વિગત એવી છે કે, વાંકાનેરમાં વિશીપરા ગોડાઉન રોડ ઉપર રહેતા અને રફાળેશ્વર ગામે એકસીસ બેન્કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા કેતનભાઇ પન્નાલાલ ચૌહાણનાં બે સંતાનોમાં મોટી પુત્રી કવિતા (ઉ. ૨૦) છેલ્લા એકાદ વર્ષથી કોલેજનાં અભ્યાસની સાથે વઘાસીયા ટોલનાકા પાસે આવેલી સૂર્યા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બિલ બનાવવા સહિતનું કામ કરતી હતી. સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધીનો તેનો નોકરીનો સમય હોવાથી પિતા કેતનભાઇ દરરોજ પોતે નોકરીએ જાય ત્યારે મુકી આવતા અને સાંજે લઇ જતાં હતાં. 

આ દરમિયાન ગઇકાલે ગુરૂવારે સાંજે  સવા છ વાગ્યાનાં અરસામાં નિત્યક્રમ પ્રમાણે તેઓ પુત્રીને લેવા ગયા હતા અને ઓઇલમિલ બહારથી ફોન કર્યો, પણ તેણીએ ઉપાડયો નહીં. થોડી વાર પછી જ ઓઇલમિલનાં કર્મચારીનો ફોન આવ્યો કે, કવિતા પડી ગઇ છે  અને લાગી ગયું છે. 

જેથી કેતનભાઇએ તુરંત અંદર દોડી જઇને જોતા ઓઇલમિલનાં રસોડામાં પુત્રીની લોહીલુહાણ હાલતમાં લાશ નજરે પડી હતી. પરિણામે પોલીસને જાણ થતા કરતા વાંકાનેર સિટી પી.આઇ. એમ.વી. ઝાલા સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

ઓઇલમિલનાં તમામ કર્મચારીઓની પુછતાછ કરતા અંતે છેલ્લા પાંચેક વર્ષથી મેનેજર તરીકે કામ કરતા મૂળ જૂનાગઢનાં વતની અને હાલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા ધીરજ જીવાભાઇ આહિર (ઉ. ૩૦) એ પોતે જ હત્યા કર્યાનું કબુલી લીધું હતું. તેણે જણાવ્યું કે, મૃતક કવિતા એકદમ જીદ્દી સ્વભાવની હતી અને તેણીને વધુ કામ કરાવાઇ રહ્યાનું વારંવાર કહીને અમદાવાદ રહેતા મિલ માલિકને ફરિયાદ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતી હતી.

આ દરમિયાન ગઇકાલે નાનો પુત્ર બિમાર હોવાથી મેનેજર ધીરજ આહિર ઓઇલ મિલે નહીં આવતા મૃતક કવિતાએ વારંવાર ફોન કરી વધુ કામની ફરિયાદ કરીને ધમકી આપી હતી. અંતે મેનેજર ધીરજ આહિરે ઉશ્કેરાઇ જઇને સાંજે ૫ વાગ્યે ઓઇલ મિલે આવી રસોડામાં પાણી પીવા ગયેલી કવિતાને પાછળથી માથામાં કુહાડીનો ઘા ઝીંકી રસોડાનાં પ્લેટ ફોર્મ સાથે માથુ અથડાવી હત્યા કરી નાંખી હોવાનું ડીવાય. એસ.પી. આર.કે. પટેલે જણાવીને આરોપી મેનેજરની ધરપકડ સહિતની તજવીજ  ચાલુ હોવાનું જણાવ્યું હતું. 

Tags :