મોરબીમાં મોડી રાત્રે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, રવિવારે બજારો ખુલ્લી જોવા મળી
- પાનમાવા, ચા અને ફરસાણ તેમજ સલૂન સિવાયની દુકાનો ખુલ્લી
મોરબી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે શહેરી વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપતી જાહેરાત કરવામાં આવી હતી અને શનિવારે રાજ્ય સરકારે મીટીંગ યોજી નિર્ણય લીધો હતો. જોકે મોરબી તંત્રને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં મોડી રાત્રી સુધીનો સમય લાગ્યો હતો અને મોડી રાત્રીના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને રવિવારે મોરબીની બજારો ખુલી જોવા મળી હતી.
મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી જીલ્લાના સમગ્ર વિસ્તારો માટે જાહેર હિતને ધ્યાને લઈને પ્રજાને વધુ હાડમારી ભોગવવી ના પડે તેવા હેતુથી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં નગરપાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનો જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલ ચાલુ રાખી શકાશે નહિ.
લોકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે જોકે કેટલીક દુકાનો ખોલવા પ્રતિબંધ મુકાયો છે. જેમાં હેર કટિંગ સલૂન, સ્પા, ચાની દુકાનો અને હોટેલ, રેસ્ટોરન્ટ અને હોટેલો, તમાકુ પાનમાવાની દુકાનો, લારી ગલ્લા, ખાવાપીવાના લારી ગલ્લા, ફરસાણની દુકાનો અને લારી બંધ રહેશે. તેમજ સિનેમા હોલ, મલ્ટીપ્લેક્ષ, જીમ અને ક્લબો બંધ રાખવાના રહેશે.
જીલ્લાના જે કોઈ વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થશે, તેમાં કોઈપણ દુકાનો ચાલુ રાખી શકાશે નહિ. શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજુરી કે પાસ લેવાના રહેશે નહિ. આ હુકમ સમગ્ર મોરબી જીલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે અને આ જાહેરનામું તા. 03-05-2020 સુધી અમલમાં રહેશે તેમ જણાવ્યું છે.