મોરબીમાં નાલાની દીવાલ મુદ્દે રસ્તા રોકો આંદોલન
- લીલાપર રોડ પર અબોલ જીવોનો ભોગ લેતું ખુલ્લુ નાલુ
- વારંવાર થતા અકસ્માતોથી લોકોમાં રોષ વ્યાપી ગયો, સોમવારે કામ શરૂ કરવાની ખાતરી બાદ આંદોલન સમેટાયું
મોરબી, તા. 24 નવેમ્બર 2019, રવિવાર
મોરબીના લીલાપર રોડ પર આવેલા નાલાની દીવાલ ન હોવાથી અનેક અકસ્માતો સર્જાય છે. અવારનવાર ગાયો ખાબકવાની ઘટના બાદ ગત રાત્રિના રિક્ષા નાળામાં ખાબકી હતી, જેથી સ્થાનિક લોકોએ રવિવારે રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ દર્શાવ્યો હતો.
બોરીચાવાસ નજીક આવેલા નાલાની દીવાલ વર્ષોથી તૂટેલી છે. ખુલ્લા નાલા પરથી પસાર થતા રોડ પર અનેક અકસ્માતો થાય છે, એટલે લોકોમાં રોષ અને ભયની લાગણી વ્યાપી હતી. જેથી આજે યુવાનોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસમાં ત્રણથી ચાર ગાય અહી નીચે ખાબકી છે. તો શનિવારે રાત્રીના સમયે એક રિક્ષા પણ પડી હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી. તો અહીંથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય ઝળૂંબે છે.
અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનાવવા લેખિત રજૂઆત કરી છે છતાં પગલાં ભરાયાં નથી. જેથી આજે લોકોએ તંત્ર દ્વારા ખાતરી ના મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા નિર્ધાર કર્યો હતો. રસ્તા રોકો આંદોલનની જાણ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા હતા. સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કર્યો હતો. સોમવારે દીવાલનું કામ શરૂ કરાવી દેવાની ખાતરી મળતાં હાલ પૂરતો મામલો થાળે પડયો છે.જોકે પાલિકા તાકીદે દીવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.