મોરબી, તા. 7 ફેબ્રુઆરી 2019 ગુરુવાર
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આજે બપોરના સુમારે બે જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયા બાદ સામસામો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારાની ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવને પગલે બંને જુથે અગાસી પરથી છુટા પથ્થરના ઘા ઝીંક્યા હતા. સામસામી થયેલાં પથ્થરમારાની ઘટનામાં આ વિસ્તારની એક ઓફીસના કાચ ફૂટ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી એલસીબી, એસઓજી ટીમ દોડી ગઈ હતી અને વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્કૂટર પાર્કિંગ મામલે બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને સામસામી પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જોકે હાલ પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવતા પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે.


