ટંકારા નજીક કારમાંથી ૫કડાયો રૂા.12 લાખનો ઈંગ્લીશ દારૂ
- થર્ટી ફર્સ્ટ નજીક આવતા બૂટલેગરો સક્રિય
- દારૂ અને કાર સહીત 17 લાખનો મુદામાલ જપ્ત, ટંકારા પોલીસે પણ વીરવાવ નજીકથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો
મોરબી, તા. 22 ડિસેમ્બર 2019, રવિવાર
થર્ટી ફર્સ્ટની ઉજવણીને રંગીન બનાવવા બુટલેગરો દારૂનો સ્ટોક કરવા કાર્યરત બન્યા છે ત્યારે પોલીસ ટીમો પણ દારૂની હેરાફેરી રોકવા દોડધામ કરી રહી છે, જેમાં મોરબી એલસીબી ટીમે ટંકારા નજીકથી કારમાં લઇ જવાતો ૧૨ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, આ દરોડાને પગલે ટંકારા પોલીસ પણ દોડતી થઈ હતી અને વીરવાવ પાસેથી દારૂનો જથ્થો ભરેલી બોલેરો પકડી હતી.
ટંકારા તાલુકાના વીરવાવ ગામ નજીક રવિરાજસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ગાડીમાં ભરીને હેરાફેરીની બાતમી મળતા એલસીબી ટીમે દરોડો કરીને ઈનોવા કારમાં તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૯૮૮ કીમત રૂ ૧૨ લાખનો દારૂ મળી આવતા કાર અને દારૂનો જથ્થો સહીત કુલ રૂ ૧૭ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે રેડ દરમિયાન આરોપી રવિરાજસિંહ જગતસિંહ જાડેજા અને ભૂપત દેવજીભાઈ કુંભારવાડિયા હાજર નહિ મળતા તેની સામે ગુનો નોંધી તપાસ ચલાવી છે. થર્ટી ફર્સ્ટમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે જોકે પોલીસની સતર્કતાથી દારૂનો જથ્થો સપ્લાય કરાય તે પૂર્વે જ ઝડપી લેવાની કવાયત કરવામાં આવી રહી છે.
જ્યારે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીને આધારે વીરવાવ નજીકથી પસાર થતી બોલેરો મેક્સીટ્રક ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૧૦૮૫ કીમત રૂ ૩,૫૯,૧૦૦ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને બોલેરો કાર અને દારુ સહીત કુલ રૂ ૭,૫૯,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.