મોરબીમાં ક્રેડીટકાર્ડ ધારક મહિલા સાથે રૂા.1.72 લાખની છેતરપિંડી
- રીવોર્ડ પોઈન્ટની લાલચ આપીને
- દિલ્હી SBIના કર્મચારીના નામે ચીટર ત્રિપુટીએ ફોન કરીને મહિલા પાસેથી વિગતો મેળવી એકાઉન્ટમાંથી રૂપિયા તફડાવ્યા
મોરબી,તા. 16 એપ્રિલ 2019, મંગળવાર
ઓનલાઇન ફ્રોડ અને એટીએમ ફ્રોડ કરનારા ભેજાબાજો ગમે તેમ કરીને ગ્રાહકોને લૂંટી લેતા હોય છે. આવો જ ફ્રોડનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. જેમાં ક્રેડીટકાર્ટ ધારક મહિલાને રીવોર્ડ પોઈન્ટની લાલચ આપી ગઠિયાઓએ ૧.૭૨ લાખની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના દરબારગઢ પાસેની માઘાણી શેરીના રહેવાસી અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા મેઘાબેન રાજેશભાઈ મણિયાર (ઉ.વ.૨૭) નામની મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. જે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એસબીઆઈ બેંકની ગ્રીન ચોક શાખામાં એકાઉન્ટ ધરાવે છે. અને ક્રેડીટકાર્ડ ધારક છે. જેની કોઈપણ રીતે માહિતી મેળવીને આરોપી રાહુલ શર્મા તેમજ રાહુલ જૈન અને નીખીલ ભારદ્વાજ (રહે. ત્રણેય દિલ્હી)એ ફોન કરી રીવોર્ડ પોઈન્ટ મળવાની લાલચ આપી પોતે એસબીઆઈના કર્મચારી હોવાનો વિશ્વાસ કેળવી લીધો હતો.
આ સાથે મહિલાએ વેબ સાઇટ પર ક્રેડીટ કાર્ડ લગતો ડેટા અપલોડ કરાવી બેંક એકાઉન્ટમાંથી ઇન્ટરનેટના માધ્યમથી તેના એકાઉન્ટમાંથી ૧,૭૨૫૦૦ શિવમ સોનીના નામે ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇટી એક્ટ મુજબ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.