મોરબીમાં રૂા 4000ની લાંચ લેતા મહેસુલ તલાટી રંગેહાથ ઝડપાયો
- રાજકોટ - મોરબી ACB ટીમનું સફળ છટકું
- વજેપર વિસ્તારમાં મકાન ખરીદ કરવા અંગેની નોંધ તાત્કાલીક કરી આપવા માટે અરજદાર પાસે રૂપિયા માંગ્યા!
મોરબી,તા,12 માર્ચ 2019, મંગળવાર
મોરબીના તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા મહેસુલ તલાટીએ અરજદાર પાસેથી મકાન ખરીદ નોંધ કરવા માટે રૂા ૪૦૦૦ની લાંચની માંગણી કરતા રાજકોટ અને મોરબી એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, એક અરજદારે મોરબીનાં વજેપર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા મકાન ખરીદ કરેલ હોય, જે અંગેની નોંધ કરી ખાતે ચડાવવાનું બાકી હતું. જેથી નોંધ કરવા માટે મોરબી તાલુકા સેવાસદનમાં મહેસુલ તલાટી પાસે ગયા હતાં. જયાં તેની પાસે નોંધ તાત્કાલિક કરાવવાનાં બદલામાં મહેસુલ તલાટી પ્રશાંત શાહે રૂા ૪૦૦૦ની માંગણી કરી હતી.
જે લાંચની રકમ અરજદારને આપવી ના હોય, જેથી મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે રાજકોટ એસીબીનાં મદદનીશ નિયામક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ.બી. જાની સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું.
જેમાં આજે ફરિયાદી લાંચની રકમ આપવા ગયો ત્યારે એસીબી ટીમે મોરબી મામલતદાર કચેરીની સીટી તલાટી ઓફિસમાં ફરજ બજાવતા મહેસુલ તલાટી વર્ગ-૩ પ્રશાંત ભરતભાઈ શાહને ૪૦૦૦ રૂપિયાની રકમની લાંચ લેતાં રંગેહાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.