Updated: May 1st, 2023
પરિવાર રાજકોટ ખાતે લગ્નપ્રસંગમાં જતા પાછળથી હાથફેરો : પ્રસંગ હોવાથી પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા પરંતુ ઘરે જ ભુલી જતા ચોરી : ચોકીદાર ડીવીઆર પણ સાથે લેતો ગયો
મોરબી, : મોરબીમાં કાયાજી પ્લોટમાં રહેણાંક મકાનને ચોકીદારે જ નિશાન બનાવી 1100 ગ્રામ સોનુ અને રૂપિયા 15 લાખ રોકડા લઇને નાસી ગયો છે. ચોરી બાદ ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોવાથી તે શંકાના દાયરામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપા તજવીજ હાથ ધરી છે.
મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ ઉપર રહેતા પેકેજીંગ વ્યવસાય સાથે જોડાયેલા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઇ ચંડીભમર પરિવાર સાથે રાજકોટ પ્રસંગમાં ગયા હતા. તેઓ આજે સવારે ઘરે પરત આવ્યા હતા. અને જોયું તો ઘરનો સામાન વેરવિખેર લાગતા ઘરમાં ચોરી થઇ હોવાનુ ખુલ્યું હતું. ઘરમાંથી 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂપિયા 15 લાખ રોકડાની ચોરી થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તો મકાન માલિક હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રાજકોટ પ્રસંગ હોવાથી પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હતા. અને રાત્રીના લગભગ 11.30 પછી ચોરીનો બનાવ બન્યો છે. કારણ કે ત્યાં સુધી ઘરનો ચોકીદાર કેમેરામાં દેખાતો હતો. પણ ત્યારબાદ દેખાયો ન હતો. એન આ ચોકીદારનો ઘરનો જાણકાર હોવાથી ડીવીઆર પણ લઇ ગયો હતો.
કાયાજી પ્લોટમાં બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યાં લગભગ બે મહિના પહેલાં આ ચોકીદાર નોકરી રહ્યો હતો. મોરબીનો પરિવાર પ્રસંગમાં હોવાથી લોકરમાંથી 1100 ગ્રામ સોનાના દાગીના લઇ આવ્યું હતું પણ કોઇ કારણોસર દાગીના લઇ જતા ભૂલી ગયા તસ્કરો દાગીના પણ લઇ ગયા હતા.