મોરબીમાં ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપર પાશવી દુષ્કર્મ
- સામાકાંઠા વિસ્તારનો ફિટકારજનક બનાવ
- પાડોશીના ઘરે રમવા ગયેલી ફૂલ જેવી બાળકી પર જઘન્ય કૃત્ય આચરીને નાસી છુટેલા નરાધમ શખ્સની શોધખોળ
મોરબી,તા.09 માર્ચ 2019, શનિવાર
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરે રમવા આવેલી ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપર પાડોશી નરાધમ શખ્સે પાશવી દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. જે મામલે ફરિયાદ નોંધીને પોલીસે જઘન્ય કૃત્ય કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તામાં રહેતા રમેશ બાબુ કોળી (ઉ.વ.૪૫) નામના ઇસમેં તેના નજીકમાં રહેતી એક ત્રણ વર્ષની માસૂમ બાળકી ઘરે રમવા આવી હોય જેના પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું.
જે ઘટના બાદ બાળકી ઘરે જતાં તેને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હોય સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો અને ભોગ બનનાર માસૂમ બાળકીના પિતાએ બી ડીવીઝન પોલીસે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે આરોપી રમેશ બાબુ કોળી વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. તેમજ આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હજુ તો ગઈકાલે જ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી સહિત દેશભરમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજાયા હતા અને નારી શક્તિ સહિતની મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે સ્ત્રીઓ પર અત્યાચાર સતત વધી રહ્યો છે અને મોરબીમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પાડોશમાં રહેતા આધેડે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.