પાકિસ્તાનના રાષ્ટ્ધ્વજ સાથે "પાકિસ્તાન મુર્દાબાદ" લખેલી ટાઈલ્સ બનાવાઈ !
- મોરબીની સિરામિક ફેક્ટરીમાં નાપાક પાકિસ્તાન વિરોધી ટાઈલ્સનું ઉત્પાદન, શૌચાલયોમાં લગાવાશે ટાઈલ્સ
મોરબી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે અને દેશના નાગરિકો પાકિસ્તાન સાથે બદલો લેવા માંગ કરી રહ્યા છે ત્યારે મોરબીની એક સિરામિક ફેકટરીમાં પાકિસ્તાનના રાષ્ટ્ધ્વજ સાથે "પાકિસ્તાન મુર્દાબાદ" લખેલી ટાઈલ્સ બનાવીને નવતર રીતે દેશદાઝ વ્યક્ત કરવામાં આવી છે.
સિરામિક હબ મોરબીમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને સિરામિક એકમોના બિલ તેમજ વાહનોમાં "પાકિસ્તાન મુર્દાબાદ" સૂત્રો લખવામાં આવી રહ્યા છે તે ઉપરાંત મોરબીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ રોડ પર દોરીને વિરોધ થઈ ચૂક્યો છે.
હવે મોરબીના રંગપર નજીક આવેલી એક સિરામિક ફેક્ટરીએ પાકિસ્તાન ધ્વજ અને ઉપર "પાકિસ્તાન મુર્દાબાદ" લખેલી ટાઇલ્સ બનાવીને નવતર રીતે દેશદાઝ વ્યક્ત કરી છે.
જે અંગે ફેકટરીના સંચાલક જણાવે છે કે, પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો અને વિરોધ દર્શાવવા હાલ 150 ટાઈલ્સ બનાવીને કોમર્શિયલ અને રહેણાંક કોમ્પલેક્ષ સહિતના સ્થળોએ આવેલા શૌચાલયોમા લગાવવા માટે આપવામાં આવી છે. અન્ય કોઈ આવી ટાઈલ્સ માંગશે તો બનાવીને મફતમાં આપવામાં આવશે.