મોરબીમાં બાળકને ઠપકો આપવા બાબતે ખેલાયો હતો ખુની ખેલ
- ખરેડા ગામે દંપતી પર જીવલેણ હુમલો કરનાર પકડાયો
- મૃતકે મગફળી તોડવા બાબતે આરોપીના પુત્રને ફડાકા મારતા થયેલી માથાકુટનો ખાર રાખીને ધારીયાનાં ઘા ઝીંક્યાની કબુલાત
મોરબી,તા.26 નવેમ્બર 2019, મંગળવાર
મોરબીના ખરેડા ગામની સીમમાં વાડીમાં પરપ્રાંતીય યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતકની પત્નીને પણ ઈજા પહોંચી હોય જે મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી અને ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લઈને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મોરબીના ખરેડા ગામની સીમમાં રહેતા સતીષ પરમાર નામના યુવાનને રાત્રીના સુમારે ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી હોય તેમજ તેની પત્નીને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસઆઈ આર એ જાડેજાની ટીમે આરોપી ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણને દબોચી લેવા તપાસ ચલાવી હતી. જોકે ફરાર આરોપી ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો. ત્યારે ત્રણ દિવસમાં તાલુકા પોલીસ ટીમે આરોપી ઠાકુરસિંગ મોતીસિંગ ચૌહાણ આદિવાસી (ઉ.વ.૩૫) (રહે ખરેડા સીમ મૂળ એમપી)ને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.
ખરેડા ગામે થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીની સઘન પૂછપરછ કરતા કબુલાત આપી હતી કે થોડા દિવસો પૂર્વે તેના દીકરાએ વાડીમાં મગફળીના થોડા તોડવા બાબતે મૃતક સતીશ પરમારે જાપટો મારી ઠપકો આપ્યો હતો.આ મામલે મૃતક સતીષ પરમાર અને આરોપી ઠાકુરસિંગ ચૌહાણ વચ્ચે ઝઘડો થયેલ. જેથી આરોપીને લાગ્યું કે સતીશ તેને મારે તે પહેલા મારી નાખવો છે. તેનું નક્કી કરી રાત્રે વાડીની ઓરડીમાં સુતા હોય ત્યારે ધારિયાના ઘા ઝીંકી સતીશને પતાવી દીધો હતો. જયારે પત્નીને પણ ધારિયાના ઘા ઝીંક્યા હતા જોકે સદનસીબે તે બચી ગઈ છે.