મોરબી: મહિલા લોકરક્ષકોને વહેલીતકે ફરજ પર હાજર ના કરાય તો ફરીથી આંદોલન
- એલઆરડી બહેનોએ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું
મોરબી, તા. 03 જુલાઈ 2020, શુક્રવાર
એલઆરડી ભરતી વિવાદમાં રહી હતી, આંદોલન બાદ પણ હજુ ફરજ પર હાજર કરવામાં આવ્યા નથી. જેથી એલઆરડી બહેનોને વહેલી તકે ફરજ પર હાજર કરવા મોરબીમાં આવેદન પાઠવ્યું હતું.
એલઆરડીની તમામ બહેનો અને વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી એલઆરડી બહેનોની ભરતી વિવાદમાં રહી છે. ગાંધીનગરમાં 72 દિવસના આંદોલન બાદ રાજય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડ્યું જે વાતને પણ ચાર મહિના વીતી ગયા છે પરંતુ હજુ સુધી લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા બહેનોને ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા.
હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર અમને આંદોલન કરવા મજબુર કરી રહી છે. આવેદનપત્ર આપી જણાવ્યું છે કે એલઆરડી તમામ બહેનો તથા વિવિધ સમાજ અને સંગઠનોએ તા. 15 સુધીમાં એલઆરડી બહેનોને હાજર નહિ કરવામાં આવે તો ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે.