મોરબી જિલ્લાની 300 જેટલી ખાનગી શાળાઓ સજ્જડ બંધ
- શાળા સંચાલકો દ્વારા કલેકટરને આવેદનપત્ર
- લાઈફ લીંક્સ વિદ્યાલયના સંચાલક અને શિક્ષક સામે એટ્રોસીટીની નોંધાયેલી ફરિયાદ મામલે યોગ્ય તપાસની માંગ
મોરબી,તા, 2 ફેબ્રુઆરી 2019, શનિવાર
ટંકારાની લાઈફ લીંક્સ વિદ્યાલયના સંચાલક અને સ્ટાફ સામે થયેલી એટ્રોસિટી ફરિયાદ બાદ સ્વનિર્ભર શાળા સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં આજથી તમામ ખાનગી શાળાઓ બંધમાં જોડાઈ છે તેમજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી ૩૦૦ જેટલી શાળાઓએ આજે બંધ પાળ્યું હતું. ટંકારાની ઘટનાના વિરોધમાં તમામ શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તેમજ આજે શાળા સંચાલકોએ ઉપસ્થિત રહીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, એટ્રોસિટીના કાયદાનો ગેર ઉપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે.
જેથી ભવિષ્યમાં શિક્ષણમાં આવી ખોટી એટ્રોસિટીની કલમનો ઉપયોગી ના થાય અને સંચાલકો તેમજ શિક્ષકો સ્વસ્થ બને તેવી માંગ કરી હતી. તેમજ ભવિષ્યમાં શિક્ષણ સંસ્થામાં આવી કોઈ ઘટના બને તો શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ થયા બાદ જ ફરિયાદ નોંધાઈ તેવી માંગ કરી હતી. શાળા સંચાલકોને અધિક કલેકટર કેતન જોષીએ શિક્ષણ વિભાગના અધિકારી સાથે પરામર્શ કરી યોગ્ય કરવાની ખાનગી આપવામાં આવી હતી.