મોરબીના મચ્છુ -2 ડેમનાં પાણી 5 ગામોના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન

Updated: Mar 27th, 2023


Google NewsGoogle News
મોરબીના મચ્છુ -2 ડેમનાં પાણી 5 ગામોના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન 1 - image


મચ્છુ-2 ડેમ ખાલી કરવાનો છે છતાં નર્મદા નીરની આવક ચાલુ : ડેમ ખાલી કરવાનો છે તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી છતાં પાણીની આવક ચાલુઃ સરકારી તંત્રમાં સંકલનના અભાવે ખેડૂતોનો ખો

મોરબી, : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરવા માટે તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરી માંગી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે ડેમ ખાલી કરવાની હિલચાલ છતાં નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનું હજુ ચાલુ છે. તેથી પાણીનું સ્તર વધી જતા ડેમ વિસ્તારમાં આવતા પાંચ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકારી તંત્રના સંકલનના અભાવને કારણે નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. 

મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર, બંધુનગર, અદેપર, જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના હજારો વીઘા જમીનના વાવેતર પર જોખમ મંડરાઈ રહ્યું છે. આ અંગે મકનસર ગામના ખેડૂતોએ  જણાવ્યું હતુ કે નર્મદા કેનાલ ચાલુ છે અને પાણી આવે છે. જેથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે. અને ખેડૂતોને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. હજારો વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે. અને ડેમના પાણીને કારણે ખેડૂતોને કરોડોની નુકશાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ૧૫ એપ્રિલ સુધીમાં ડેમ ખાલી કરવાનો છે. તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી પરંતુ છતાં પાણીની આવક ચાલુ છે. 

એ જ રીતે, નવાગામમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ જણાવે છે કે તેને 40 વીઘા જમીન હોય જેમાં 20 વીઘામાં તલનું વાવેતર કર્યું છે જે 20 વીઘામાં પાણી ફરી વળ્યું છે. નવાગામમાં રહેતા અન્ય ખેડૂત હસમુખભાઈ ફેફરે પણ સરકારની નીતિ રીતી સામે સવાલ ઉઠાવ્યા હતા અને ડેમના પાણીથી ખેડૂતોના તલના પાકને નુકશાન જતું હોવાની નારાજગી દર્શાવી હતી. 

આમ નર્મદા નિગમ, સિંચાઈ વિભાગ અને સૌની યોજનાના અધિકારીઓ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે, જે સંકલનના અભાવને કારણે ડેમ ખાલી કરવાનો હોવા છતાં પાણીની આવક ચાલુ છે. અને ડેમ ભરવામાં આવી રહ્યો છે અને અધિકારીઓની બેદરકારીની કીમત ખેડૂતોએ ચૂકવવી પડતી હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. ખેડૂતોના હજારો વીઘામાં ઉભા તલના પાકને નુકશાની જઈ રહી છે. છતાં સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી જેથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.  



Google NewsGoogle News