Get The App

મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું

Updated: Aug 11th, 2021

GS TEAM


Google News
Google News
મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું 1 - image


- એક જ પરિવારના 11 સભ્યો પાણીમાં તણાયા, આજે’ય એ દિવસ યાદ આવતા લોકો ધ્રુજી ઉઠે છે...

મોરબી,તા.11 ઓગષ્ટ 2021,બુધવાર

42 વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને. જયારે મચ્છુ 2 ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું એવી હોનારત કે જેને 42-42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.

તારીખ 11 ઓગસ્ટ, 19૭9 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ના હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી. 11 ઓગસ્ટ, 19૭9નો એ દિવસ અને સમય હતો બપોરે 3: 15 નો.. જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3: ૩0 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.

મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું 2 - image

એ ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી જે દિવસે તા. 11-08-19૭9 નો એ દિવસ.. જેમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ સમાવી શક્યો ના હતો અને આખરે બપોરે ડેમ તુટ્યો અને જોતજોતામાં 3: ૩0 વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરુ થઇ ચુક્યું હતું અને માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી, પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણકે નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના શકતા જમીનદોસ્ત બની ગઈ હતી.

હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા.

મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું 3 - image

એક જ પરિવારના 11 સભ્યો પાણીમાં તણાઈ ગયા, એ દિવસને કેવી રીતે ભૂલી શકાય : દુધીબેન

42 વર્ષ પૂર્વેના એ દિવસને આજે યાદ કરતા દુધીબેન હિબકે ચડી જાય છે અને રોતા રોતા એ દિવસને યાદ કરી જણાવે છે કે મોરબીનો ડેમ તુટ્યો ત્યારે તહેવાર હોવાથી પરિવાર મામાને ઘરે ગયું હતું. જ્યાંથી પરત ફરતી વેળાએ પાણી આવવા લાગ્યા હતા. જેથી એક ઓફિસમાં ગયા હતા પરંતુ ઓફિસમાં પાણી ભરાઈ જતા પરિવારના 11 સભ્યો તેણે એક સાથે ગુમાવ્યા હતા અને તેણે પરિવારના 11 સભ્યો હવે હયાત નથી તેની બીજા દિવસે જાણ કરાઈ હતી. એક જ ઝાટકે દુધીબેન પ્રજાપતિના માતા, પિતા, ભાઈ, બહેન સહિતના પરિવારના 11 સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા, જેનો ક્યારેય પત્તો લાગ્યો નથી.

મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું 4 - image


બે બાળકો નજર સામે તણાઈ ગયા, એકને જાનવર કરડી ગયું : ગંગાબેન
ગંગાબેન રબારી અને તેના પતિની નજરની સામે પાણી તેના બે બાળકોને તાણી લઇ ગયું હતું. ગંગાબેન એ દિવસને યાદ કરતા જણાવે છે કે એક બાળક તેણે, એક તેના પતિએ અને એક સસરાએ તેડ્યું હતું અને પાણીથી બચવા ટેલીફોન થાંભલા પકડી જીવ બચાવવા ફાફા મારતા હતા ત્યારે પાણીમાં જાનવર કરડી જતા એક બાળકનું મોત થયું હતું તો બે બાળકો માતાપિતાની આંખ સામે પાણીમાં તણાઈ ગયા હતા જેને તેઓ બચાવી ના શક્યા તો કુદરતે તેમને બચાવી લીધા પરંતુ ત્રણ ત્રણ બાળકો છીનવાઈ ગયા હતા તે દિવસને કેવી રીતે ભૂલી સકાય તેમ જણાવ્યું હતું.

મોરબી જળ હોનારતના 42 વર્ષ પૂર્ણ : અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું 5 - image

મચ્છુ 2 ડેમમાં 20 મોટા દરવાજા બનાવ્યા જેથી હોનારત રોકી શકાય : ડેમ અધિકારી

તો ડેમ તૂટવાની ઘટના અંગે હાલ મોરબીના મચ્છુ 2 ડેમ પર ફરજ બજાવતા અધિકારી એ જે બરાસરા જણાવે છે કે તેણે જે માહિતી પ્રાપ્ત છે તે અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 18 હયાત દરવાજા ખોલવામાં આવ્યા હતા જેની 3લાખ કયુસેક પાણી નિકાલની ક્ષમતા હતી જોકે મચ્છુ 1 ડેમ 10 ફૂટ ઓવરફલો થયો હોય અને 3લાખ કયુસેક કરતા ઘણું વધારે પાણી આવતા પાણી માટીના પાળા પર ચડી ગયું હતું. જેથી માટીના પાળા ધોવાઈ જતા હોનારત સર્જાઈ હતી તો આ હોનારતમાંથી બોધપાઠ લઈને સરકારે હયાત 18 દરવાજા ઉપરાંત તેનાથી વધુ ક્ષમતાના એટલે કે 41 X 2૭ ના 20 મોટા દરવાજા બનાવ્યા છે જેની 6 લાખ કયુસેક પાણી નિકાલની કેપેસીટી છે અને અગાઉની 3લાખ મતલબ હવે 9 લાખ કયુસેક પાણી આવક હોય તો પણ ડેમ તૂટે નહિ તેવી તકેદારી લેવાઈ હોવાનું જણાવ્યું છે.

અમેરિકાથી ફોન આવ્યો ને ભારત જાગ્યું હતું
મોરબીમાં જળપ્રલય થયો ત્યારે ભારત સરકાર અજાણ હતી અને અમેરિકાથી ફોન આ અંગે ફોન આવ્યો અને સરકારને જાણ કરી હતી. અમેરિકાથી ભારતના દિલ્હીમાં ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે, ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તુટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે. ત્યારે ઠેક તંત્ર જાગેલું, એ વખતે હાજર લોકો આજે પણ એ કાળાદિવસને યાદ કરતા કંપી ઉઠે છે. હા આજથી બરાબર 41 વર્ષ પહેલા 11મી ઓગસ્ટ 1979માં મચ્છુ નદીની હોનારતે મોરબીને વેરાન કરી દીધુ હતુ. અમેરિકાની સેટેલાઈટ થ્રુ મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી.

સંદેશા વ્યવહાર ઠપ થઈ જતાં મોરબી શહેરમાં મોતનું તાંડવ ખેલાયું

11 ઓગસ્ટ, 1979નો એ દિવસ અને બપોરે 3.15નો સમય હતો. જયારે મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા લોકોને એવી ચેતવણી આપવામાં આવી કે, ‘ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ ભયજનક બન્યો છે તો લોકો સલામત સ્થળોએ જતાં રહે.’ પરંતુ ડેમ સાઈટ પરથી સંદેશા વ્યવહાર ઠપ થઈ જતાં મચ્છુ ડેમ તૂટયો હોવાની જાણ કરી શકાય નહોતી. જેથી લોકો જળ હોનારત વિશે કંઈ વિચારે કે સમજે તે પહેલા જ બપોરે 3.30 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડયા હતા અને આખ્ખા શહેરને વેરવિખેર કરી નાખ્યું હતું. એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી. એ ગોઝારા દિવસે મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ થયું હતું. માત્ર બે કલાકના સમયગાળામાં તો મોરબીને તારાજ કરીને મચ્છુનાં પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાંય દુર નીકળી ગયો હતો.

Tags :