Gujarat

મોરબી: ભૂખ હડતાલ ઉપર ઉતરેલા બે મજૂરોની તબિયત લથડી

By GS Team
9 Mar 20191 min read
This article was originally published on 9 Mar 2019
મોરબી: ભૂખ હડતાલ ઉપર ઉતરેલા બે મજૂરોની તબિયત લથડી

મોરબી, તા. 9 માર્ચ 2019 શનિવાર

મોરબીના લીલાપર ગામે આવેલી સીરામીક કંપનીમાં મજૂરીના હક્ક હિસ્સા માટે યોગ્ય ન્યાય મેળવવા 8 મજૂરો છેલ્લા 18 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યા છે. તેમ છતાં તંત્રએ ધ્યાન ન આપતા ઉપવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમ્યાન બે મજૂરોની તબિયત લથડતા બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા છે.

મોરબીના લીલાપર ગામે આવેલી સીરામીક કંપની સામે મજૂરીના પ્રશ્ને ન્યાય મેળવવા માટે ગત તા. 17 ફ્રેબ્રુઆરીથી 8 મજુરોએ ભૂખ હડતાલ શરૂ કરી હતી. આ મજૂરોના જણાવ્યા મુજબ અગાઉ તેઓ આ સીરામીક કંપનીમાં મજુરી કામ કરીને રોજીરોટી મેળવતા હતા. 

તે દરમિયાન તેમણે આ સીરામીક કંપની સામે મજૂરીના મળવાપાત્ર હક્ક હિસ્સા મામલે અવાજ ઉઠાવતા તેમને કારખાનામાંથી હાંકી કાઢ્યા હતા. આથી આ મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેથી આ આઠેય મજૂરો આ બાબતે યોગ્ય ન્યાય મેળવવા માટે ભૂખ હડતાલ પર બેઠા છે. 

આ રીતે 18 દિવસથી આંદોલન ચલાવતા હોવા છતાં તંત્રે કોઈ ધ્યાન ન આપતા ઉપવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમ્યાન ભૂખ હડતાલ પર બેઠેલા બે મજૂરો અમૃતલાલ અરજણભાઈ રાઠોડ અને નરેન્દ્રભાઈ કેશુભાઈ રાઠોડની ગતરાતે તબિયત લથડતા બન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.