મોરબી પાલિકા પ્રમુખની ચેમ્બરને ભાજપ દ્વારા તાળાબંધી-ઝપાઝપી
- બિસ્માર રસ્તા, ગંદકી અને રખડતા ઢોરનાં પ્રશ્ને
- 19 આગેવાનો કાર્યકરો ડિટેઈનઃ ભારે વરસાદનાં કારણે રોડ તૂટયા-ભુગર્ભ ગટરો ચોકઅપઃ ચિફ ઓફિસર
- ઢોર પકડવાનો કોન્ટ્રાકટ કતલખાને ઢોર મોકલનારને અપાયોઃ પૂર્વ ધારાસભ્ય દ્વારા તાળાબંધી બાદ તાળા ખોલીને કચેરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.
મોરબી, તા. 09 સપ્ટેમ્બર 2019, સોમવાર
મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોય અને કોંગ્રેસના શાસકો પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યાં હોવાના આક્ષેપો સાથે આજે વિપક્ષ ભાજપે હલ્લાબોલ કરીને પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી.
મોરબી નગરપાલિકામાં શાસક પક્ષ કોંગ્રેસ રોડ-રસ્તા, ગટર, સફાઈ અને પાણી જેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકી ના હોવાનાં આક્ષેપ સાથે ભાજપ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકામાં ભાજપના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિપક્ષ ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રેલી સ્વરૂપે પાલિકા કચેરી પહોચ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે પાલિકા કચેરીમાં પ્રવેશ મામલે પોલીસ સાથે ભાજપ કાર્યકરોના ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવામાં આવી હતી. પોલીસે તાળાબંધી કરવા આવેલ ભાજપના ૧૯ આગેવાનોને ડીટેઈન કર્યા હતાં.
પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રોડ-રસ્તા, ગટર, રખડતા ઢોર મામલે પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે. શહેરમાં ૧૦૦૦ ઢોર છે. વિપક્ષ તરીકે ૫૦૦ ઢોર અમે સાચવીશું અને ૫૦૦ તમે પકડો તેમ કહી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઢોર પકડીને કતલખાને મોકલે તેને કોન્ટ્રાકટ અપાયો છે, પ્રજાહિતના કાર્ય કરો તેવી માંગ કરી હતી.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોરબીમાં ગત માસે ભારે વરસાદને પગલે રોડ રસ્તા ધોવાઈ ગયા છે. તેમજ ભુગર્ભ ગટર ચોક અપ થઈ છે. જેથી પ્રશ્નો સર્જાયા છે.
નગરપાલિકાના સદસ્યો રાજીનામાં આપે: આપ
ચીફ ઓફિસર મારફત તમામ પર સદસ્યને પાઠવેલા આવેદનમાં આપે જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા સદસ્યોને ચાર વર્ષ પૂર્ણ થવામાં આવશે. ત્યારે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તમામ સદસ્યો નિષ્ફળ નીવડયા છે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ ભુગર્ભ ગટર અને વરસાદી પાણીનો નિકાલ તેમજ રખડતા ઢોરના પ્રશ્નો જેવી અનેક સમસ્યાઓ છે. લોકોના કામો થતા નથી. મોરબીની સમસ્યા ઉકેલવા એક પણ સદસ્યની ઈચ્છા શકિત નથી જણાઈ રહી, જેથી પ્રજાહિત માટે તમામ સદસ્યો મોરબી નગરપાલિકા સદસ્ય પદેથી રાજીનામુ આપવું જોઈએ.
ભાજપના રાજકીય દાવપેચ : રસ્તા-ગટર તેમના શાસનમાં બન્યાં: પ્રમુખ
પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું છે કે, ભાજપના રાજકીય દાવપેચ છે. રોડ રસ્તામાં ગાબડા પડયા તે ભાજપના શાસનમાં બન્યા છે, તેમજ ભૂગર્ભ લાઈનો પણ કરોડોના ખર્ચે ભાજપના રાજ દરમિયાન નખાઈ છે. ભાજપના નેતાઓ રાજનીતિ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.