મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં: 500થી વધુ એકમો બંધ થવાની ભીતિ
- NGTએ કોલગેસ પર મુકેલા પ્રતિબંધના પગલે એકમો બંધ થતા હજારો શ્રમિકોનીછીનવાઈ જશે રોજગારી
મોરબી, તા 8 માર્ચ,2019 .શુક્રવાર
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં કોલગેસ વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.જે ચુકાદાના પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.એક હજાર જેટલી ફેક્ટરીઓમાંથી અડધોઅડધ એટલે કે પાંચસોથી વધુ ફેક્ટરીઓ શનિવારથી બંધ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
ઔદ્યોગિક નગરી મોરબી આજે તેના સિરામિક ઉદ્યોગને કારણે જાણીતી છે.પરંતુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં સિરામિક યુનિટમાં વપરાતા કોલસા આધારિત કોલગેસ મામલે ચાલતી સુનાવણીમાં એન જી ટી એ કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપી દીધો છે.
અગાઉ મંજૂરી સાથે નિયમોના ચુસ્ત પાલન કરીને કોલગેસને મંજૂરી મળતી હતી.પરંતુ આ કેસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માંથી સિરામિક ઉદ્યોગને રાહત મળશે તેવી આશા હતી.જેના પર પાણી ફરી વળ્યું છે.અને એન જી ટી એ તમામ પ્રકારના કોલગેસ વપરાશ પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપ્યો છે.
જેથી હાલ મોરબીમાં ૧૦૦૦ જેટલા સિરામિક એકમો પૈકીના અંદાજે ૫૦૦ સિરામિક એકમો કોલગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરતા હોય અને તાકીદની અસરથી 500 ફેક્ટરીઓને બંધ કરવી પડે તેવી નોબત આવી છે. એન જી એ આપેલા ચુકાદાની નકલ મોરબી સિરામિક એસોસિયેશન ને મળી ચૂકી છે.જેમાં તાકીદની અસરથી કોલગેસ વપરાશ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોય શનિવારે સવારથી જ 500થી વધુ સિરામિક યુનિટો બંધ પડે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઈ રહી છે.