મોરબીના રફાળેશ્વર નજીક મારામારી, યુવાનનું મોત
- સશસ્ત્ર જૂથ અથડામણમાં બે યુવાનો ઘાયલ
મોરબી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
મોરબી પંથકમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. જેમાં ગત રાત્રીના સમયે રફાળેશ્વર નજીક નોનવેજ દુકાન પાસે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થયું છે.
રફાળેશ્વર નજીક નોનવેજ લારી રાખવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બે જૂથ હથિયારો ધારણ કરી સામસામા એકબીજા પર તૂટી પડતા સૈયદ મેપા જેડા, અલી સંઘવાણી અને લાલો રામજી એ ત્રણ યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ સૈયદ જેડા (ઉ.વ.40)નું મોત થયું હતું. જયારે અન્ય બે ઈજાગ્રસ્ત યુવાનોને પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
મોડી રાત્રીના બનેલી જૂથ અથડામણ ઘટના બાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ટોળા એકત્ર થયા હતા અને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેતાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો તો બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ આદરી હતી.