મોરબી, તા. 12 એપ્રિલ 2020 રવિવાર
મોરબીમાં લોકડાઉન દરમિયાન ડ્રોન વડે પાન-માવાની ડિલિવરીનો વીડિયો બનાવીને ટિકટોકમાં મુકનાર શખ્સની બી ડિવિઝન પોલીસે અટકાયત કરી હોવાનુ સામે આવ્યું છે.
મોરબીમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને કોરોના વાઈરસને અટકાવવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે. આ દરમિયાન લોકડાઉનને લઈને પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના ભંગ કરતા લોકો સામે પણ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. બીજી બાજુ મોરબીમાં એક યુવાને ટિકટોકમાં માવાની ડ્રોન મારફતે ડિલિવરી કરવાનો એક વીડિયો મુક્યો છે. આ વિડીયોના આધારે પોલિસે તપાસ હાથ ધરી હતી.
જેમાં આ વીડિયો મુકનાર યુવાન સામાકાંઠે રહેતો હોય અને તેનું નામ હિરેન હોવાનું સામે આવ્યું છે. યુવાનની ઓળખ થયા બાદ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


