મોરબીના લખધીરપુર રોડ પરણી ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં યુવાનની હત્યા
- પરિવારના જ કોઈ સભ્યે યુવાનની હત્યા કરી હોવાની શંકા
મોરબી, તા. 12 નવેમ્બર 2019 મંગળવાર
મોરબીના લખધીરપુર રોડ પર ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાનની હત્યામાં પરિવારના જ કોઈ સભ્યની સંડોવણી હોય તે શંકાને પણ નકારી શકાતી નથી.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની સીવેન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા યુવાન વિજય ખીમજીભાઈ ગણાવા આદિવાસી (ઉ.વ.21) વાળાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોય જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી અને હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈ ગણાવાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજે તા. 12ના સવારના સુમારે તેની બહેન શર્મિલા રૂમ પર ગઈ હતી અને લેબર ક્વાર્ટરના ધાબા પર તેનો ભાઈ વિજયભાઈ અને વજાભાભી ધાબા પર રોજ સાથે સુતા હતા અને જગાડવા જતા ખાટલામાં વજાભાભી સુતેલી ના હતી અને વિજયભાઈ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ધાબા પર બહેન મંજુ, માસીની દીકરી હિરલ અને વજાભાભી ત્રણેય સુતા હોય અને જગાડીને વાત કરતા રાત્રીના રોટલા બનાવવા ગયાનું જણાવ્યું હતું અને શર્મિલાએ વિજયભાઈને લોહી લુહાણ હાલતમાં જોયા હતા. જેથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના ભાઈ મનોજભાઈ આદિવાસીએ હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે કોઈ અજાણ્યા માણસે કોઈ કારણોસર તેના ભાઈ વિજય આદિવાસીને બોથડ પદાર્થ કે હથિયાર વડે માર મારી ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવ્યું છે મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
હત્યામાં પરિવારના સભ્યની સંડોવણી ?
મોરબીના લખધીરપુર રોડ પર ફેક્ટરીના લેબર ક્વાર્ટરના ધાબામાં શ્રમિક યુવાનની હત્યા અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. જોકે હત્યાના બનાવમાં પરિવારના જ કોઈ સભ્યની સંડોવણી છે કે પછી બહારનું કોઈ હત્યારું છે તે સ્પષ્ટ બન્યું નથી. છતાં પણ રાત્રીના ધાબા પર પત્ની સહીત પરિવારના સભ્યો પણ સુતા હોય જેથી શંકાની સોય પરિવારના સભ્યો તરફ જોવા મળે છે.
આમ છતાં મોરબી તાલુકા પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી છે અને હત્યાનું કરણ શોધી હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી છે.