ખેત ઉત્પાદનના વેચાણ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ
- કૃષિ ધિરાણને રિન્યુ કરી આપવા, પાકના વેચાણ માટે અન્ય જિલ્લામાં પ્રવેશની છૂટ આપવાની માગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી, તા. 11 મે 2020, સોમવાર
સૌરાષ્ટ્રમાં વેચાણ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાથી રવિ અને ખરીફ સીઝનના ખેત ઉત્પાદનો ખેડૂતોના ઘર કે ખેતરમાં પડ્યા છે, તેના વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરવામાં આવેલું હોવા છતાં સમયસર વારો આવવાની શક્યતા હોવાનું જણાતું નથી. તેને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
ખેડૂતોએ બેંક અને સહકારી મંડળીમાંથી લીધેલા ધિરાણને પરત કરવાનો સમય પણ થઈ ગયો હોવાથી જો ધિરાણ સમયસર પાછું ન ભરે તો આખા વર્ષનું વ્યાજ ભરવું પડશે. નીપજનું વેચાણ થતું નથી અને ધિરાણ ભરવાના પૈસા નથી. નવું વાવેતર કરવા બિયારણ અને ખાતર લેવા માટે પૈસાની જરૂરત છે.
ઉપરાંત ખેડૂતોને પોતાના ગામ નજીક બિયારણ, ખાતર, જંતુનાશક દવા મળી રહે તેવું આયોજન કરવા માંગ કરી છે. પાક વેચવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા દેવા માટે 7-12, 8-અને આધાર ગણી તેને મંજૂરીનો પાસ ગણી અવરજવરની પરમીશન દેવામાં આવે તેવી માંગણી સાથે મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.