મોરબી જિલ્લાના નવલખી બંદરે 192 કરોડના ખર્ચે અદ્યતન જેટી બનાવવામાં આવશે
- કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાષક 12 એમએમટીપીએ વધારો કરવાનું આયોજન
મોરબી,તા. 24 નવેમ્બર 2019, રવિવાર
માળિયાના નવલખી બંદરે નવી જેટી બનાવવા માટે કરવામાં આવેલી દરખાસ્તને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અદ્યતન જેટી રૂ. ૧૯૨ કરોડના ખર્ચે બનશે. જેથી બંદરે આયાત-નિકાસની વૃદ્ધિ જોવા મળશે, તેથી ૫૦ કરોડની વધારાની આવક પણ રાજ્યને પ્રાપ્ત થશે. ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ. ૪૦ કરોડની સહાય નવલખી બંદરને મળશે.
આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ. ૧૯ર.૩૩ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે. બંદર ખાતે આ અંતર્ગત ૪૮૫ મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. બંદરની વર્તમાન કેપેસિટી ૮ એમએમટીપીએ છે, તે વધારીને ૨૦ એમએમટીપીએ કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાષક ૧૨ એમએમટીપીએ વધારો કરવાનું આયોજન છે.
નવલખી બંદર ૧૯૩૯થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે.
નવલખી બંદર પર કુલ ૪૩૪ મીટરની જેટીઓ છે
હાલ નવલખી બંદર પર કુલ ૪૩૪ મીટર લંબાઇની જેટીઓ આવેલી છે. જેના પરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાર્ષિક ૧૧.૮૫ એમએમટી કાર્ગોની હેરફર કરે છે. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સાગરમાલા પ્રોજેક્ટનો પણ આ નવલખી બંદરને લાભ મળશે. જેના અંતર્ગત ૧૦૦ મીટરની જેટી માલસામાનના આંતરરાજ્ય દરિયાઇ પરિવહન માટે વિકસાવાશે. ભારત સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ નવલખી બંદરના નવિનીકરણનું આ કામ ત્વરીત હાથ ધરાશે અને તે બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
નવલખી બંદરનો ૮૦ વર્ષ પુરાણો ઈતિહાસ
નવલખી બંદર ૧૯૩૯ના વર્ષથી કાર્યરત્ છે. આ બંદર પરથી વર્ષ ૧૯૩૯થી મીઠું-કોલસો-ખાદ્ય પદાર્થો તેમજ અન્ય માલસામાનનું વહન થાય છે. તેમાં થઇ રહેલા ઉત્તરોત્તર વધારાને જોતાઆ નવી જેટીઓનો મહત્તમ ફાયદો થશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડનું નવલખી બંદર લાઇટરેજ પોર્ટ છે તેમ છતાં તેના વ્યૂહાત્મક સ્થળને કારણે કંડલા તેમજ મુન્દ્રા બંદરને હરીફાઇ પૂરી પાડે છે. નાના વેપારીઓ, ટ્રેડર્સને માલસામાનની આયાત નિકાસ કરવા માટેની સરળતા માટે સૌપ્રથમ પસંદગીનું બંદર છે.
કાર્ગો હેન્ડલિંગથી રૂ. ૭૭.૦૫ કરોડની આવક થઇ હતી
ગુજરાતના બંદરોની આંતરમાળખાકીય સુવિધાઓની શ્રેષ્ઠતાને પરિણામે રાજ્યના બંદરો પરથી ૨૧૭ જેટલા દેશમાં નિકાસ થાય છે. નવલખી બંદરના પ્રોજેક્ટના ભાવિ વિકાસ માટે કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના હેઠળ ભારત સરકારની રૂ. ૪૦ કરોડની સહાય પણ મળવાની છે. ૨૦૧૮-૧૯માં ૧૧.૮૫ એમએમટી કાર્ગો હેન્ડલિંગ દ્વારા આ બંદર પરથી રૂ. ૭૭.૦૫ કરોડની આવક થઇ હતી. નવલખી બંદરેથી નવી જેટીના નિર્માણ સાથે રાજ્યને અંદાજે રૂપિયા ૫૦ કરોડની વધારાની આવક આયાત-નિકાસ વૃદ્ધિથી મળતી થશે.